સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં બે અકસ્માત: ત્રણના મોત, સાત ઈજાગ્રસ્ત

પાટણમાં બે અકસ્માત: ત્રણના મોત, સાત ઈજાગ્રસ્ત

પાટણ જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને ઘટનાઓને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છે.

ચાણસ્મા-મહેસાણા હાઈવે પર પિંપળ નજીક ગઈકાલે સાંજે એક ટ્રક પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રકનું ટાયર ફાટી જતાં ચાલક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો. ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગઈ.

આ અકસ્માતમાં પ્રભુભાઈ ફુલવાદી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું. ટ્રકમાં સવાર લોકો દબાઈ જતાં તેમને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી. ટ્રકચાલક સહિત સાત લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતા.

બીજી ઘટના સમી-શંખેશ્વર હાઈવે પર બની. ત્યાં એક મિની ટ્રક પલટી મારી જતાં બે મહિલાઓનાં મોત થયાં. જાણકારી મુજબ, રસ્તા પર અચાનક શ્વાન આવી જતાં ચાલકે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો, જેના કારણે મિની ટ્રક પલટી મારી ગઈ.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાણસ્મા પોલીસે પણ ટ્રક અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.