સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં આઈસર ટ્રકની ટક્કરે બે પદયાત્રીનાં મોત, ચાલક ફરાર

પાટણમાં આઈસર ટ્રકની ટક્કરે બે પદયાત્રીનાં મોત, ચાલક ફરાર

પાટણ જિલ્લાના વાગડોદ નજીક મોડી રાત્રે એક ટ્રકે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને ટક્કર મારતાં બે યુવાનોનાં મોત થયાં છે, જ્યારે કેટલાકને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, જંગરાલ ગામના યુવાનો બીજ ભરવા માટે રામદેવપીરના કેમ્પ તરફ પગપાળા જઈ રહ્યા હતા. તે સમયે ડીસા તરફથી બટાકા ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલી આઈસર ટ્રકના ચાલકે એક પછી એક પાંચથી વધુ પદયાત્રીઓને ટક્કર મારી હતી.

આ હિટ એન્ડ રનની ઘટનામાં તુષાર દેસાઈ અને વિરમ દેસાઈ નામના બે પદયાત્રીઓનાં મોત થયાં છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ તેનો પીછો કરતાં તેણે વડુ ગામ પાસે ટ્રક મૂકીને ભાગવું પડ્યું હતું. ઘટનાની જાણ થતાં વાગડોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રકનો કબજો લઈ ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ તરફ બે યુવાનોનાં મોતથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિવારજનોએ આરોપી ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી અને સજાની માગ કરી છે.