પાટણના હાંસાપુર ખાતેની આસોપાલવ સોસાયટીમાં શનિવારે રાત્રે બારોટ સમાજ દ્વારા માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં હારીજ તાલુકાના અડિયા ગામના વતની અમરત અમથા જાદવ ધૂણવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ડાકલાના તાલ સાથે ધૂણતી વખતે અચાનક તેમની તબિયત લથડી અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા.
ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે, જેમાં ભુવાજી ધૂણતા ઊભા થયા બાદ માથે ચાદર રાખતાં જ અચાનક પડી જતા જોવા મળે છે. આસપાસ હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, દોઢથી બે કલાકની સારવાર બાદ તેમણે દેહ છોડી દીધો હતો. 108 ઇમરજન્સી સેવાને પૂછતાં જણાવવામાં આવ્યું કે આવો કોઈ દર્દી તેમની સેવામાં આવ્યો નથી અને ખાનગી વાહન દ્વારા દર્દીને ખસેડવામાં આવ્યા હોવાનું અનુમાન છે.
મૃતકના પુત્ર શૈલેષ જાદવે જણાવ્યું કે અમરત પહેલેથી જ બીમાર હતા. આશરે સાત મહિના પહેલા તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં હૃદયની 18થી 19 નળીઓ બ્લોક હોવાનું નિદાન થયું હતું. ડાબો ભાગ 100% અને જમણો ભાગ 75% બ્લોક હોવાથી ડોક્ટરોએ બાયપાસ સર્જરીની શક્યતા નકારી હતી અને ત્યારથી નિયમિત દવાઓ ચાલુ હતી. શનિવારે રમેલ દરમિયાન ધૂણતા અચાનક બીજો હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
આ ઘટનાથી ઉપસ્થિત લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને અડિયા ગામ સહિત સમગ્ર સમાજમાં શોકની લાગણી છે. નોંધનીય છે કે, સીપીઆર (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) એ હાર્ટ એટેક સહિતની આપાતકાલીન પરિસ્થિતિમાં જીવ બચાવી શકતી પ્રાથમિક સારવાર છે, જે હોસ્પિટલ પહોંચતા પહેલા આપવામાં આવે તો મૃત્યુદર ઘટાડી શકાય છે.