સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં શિક્ષકને વિદ્યાર્થિની સાથે છેડતી બદલ 4 વર્ષની સખત કેદ

પાટણમાં શિક્ષકને વિદ્યાર્થિની સાથે છેડતી બદલ 4 વર્ષની સખત કેદ

પાટણ શહેરની એક શાળામાં ગુજરાતી અને વ્યાયામના શિક્ષક રણજીતકુમાર ચૌધરી (રહે. ખંડોસણ, તા. વિસનગર)ને સગીર વિદ્યાર્થિની સાથે જાતીય સતામણી કરવાના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે 4 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે.

ભોગ બનનાર સગીરા તે જ શાળામાં અભ્યાસ કરતી હતી અને આરોપીની દીકરી સાથે બેડમિન્ટન રમવા જતી હોવાથી તેના સંપર્કમાં આવી હતી. 21 એપ્રિલ, 2024ના રોજ સાંજે આરોપીએ સગીરાના પિતાના મોબાઈલ પર મેસેજ મોકલીને ધોરણ-1ના ગુજરાતી વિષયના પેપર ચેક કરવાના બહાને પાટણના ગુંગડી તળાવ ખાતે બોલાવી હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને પોતાની એક્ટિવા પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો.

ઘરે પહોંચ્યા બાદ આરોપીએ સગીરાની નજીક બેસીને શારીરિક છેડતી શરૂ કરી હતી. સગીરાએ તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પેપર થેલીમાં મૂકવાના બહાને રૂમની અંદર બોલાવ્યા તો સગીરાએ અંદર જવાનો ઇનકાર કર્યો હતો. આરોપીએ બળજબરીપૂર્વક સગીરાનો હાથ પકડીને અંદર ખેંચવાનો પ્રયાસ કરતાં સગીરાએ તેને ધક્કો મારીને બહાર નીકળી ગઈ હતી. ત્યારબાદ સગીરાએ પોતાની બહેનપણી અને વાલીને જાણ કરી પાટણ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પાટણ સિટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈએ કેસની તપાસ હાથ ધરીને પંચનામું, સગીરાનું સીઆરપીસી કલમ-164 હેઠળ નિવેદન તેમજ એફએસએલ, વૈજ્ઞાનિક પુરાવા અને સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. ટ્રાયલ દરમિયાન કોર્ટે જન્મના આધાર પર ઘટના સમયે સગીરાની ઉંમર 16 વર્ષ, 9 માસ અને 18 દિવસ હોવાનું માન્ય રાખ્યું હતું.

39 પાનાના ચુકાદામાં સ્પેશિયલ પોક્સો જજે સંસ્કૃત શ્લોક "ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ" ટાંકીને નોંધ્યું હતું કે, ગુરુ જ્યારે રક્ષકના બદલે ભક્ષક બની વાસના સંતોષવા શોષણ કરે છે, ત્યારે તે અત્યંત અશોભનીય કૃત્ય છે. અદાલતે ભોગ બનનારે હિંમત દાખવીને પ્રતિકાર કરી ફરિયાદ નોંધાવવાના પગલાંની પણ સરાહના કરી હતી.

બચાવ પક્ષની દલીલો ફગાવીને કોર્ટે રણજીત ચૌધરીને આઈપીસી કલમ 354(એ)(1)(1) તથા પોક્સો એક્ટની કલમ-7 અને 8 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે આરોપીને 4 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા સંભળાવી છે. જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ ભોગવવી પડશે. અદાલતે આરોપીએ જેલમાં વિતાવેલો સમય સજામાંથી મજરે આપવા ઉપરાંત ભોગ બનનારને પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત 50,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.