પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી વીજળી અચાનક બંધ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. પાટણ, સરસ્વતી, સમી અને ચાણસ્મા તાલુકાના સંડેર, રણુંજ, સંખારી અને મણુંદ જેવા ગામોમાં સાંજ પડતાં જ વીજળી ગુલ થઈ જાય છે. કોઈ પૂર્વ જાહેરાત કે શિડ્યુલ વગર વારંવાર વીજ પુરવઠો બંધ થતાં ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાના ઉકળાટ વચ્ચે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 20 દિવસથી સાંજના સમયે વીજળીના ધાંધિયાથી લોકો ભારે પરેશાન છે. સાંજે સાતથી આઠ વાગ્યા વચ્ચે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં ગામડાંમાં અંધારપટ છવાઈ જાય છે. આ સમયે એક તરફ ડેરીમાં દૂધ ભરાવવાનું અને બીજી તરફ ઘરમાં રસોઈ કરવાનું હોય છે, ત્યારે જ લાઈટો ગુલ થઈ જતાં પશુપાલકો અને ગૃહિણીઓની મુશ્કેલી વધી જાય છે.
બહુચરાજીના ચંદ્રોડા ગામે વીજળી વગર પશુપાલકો દૂધની ડોલ લઈને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. સાપાવાડા સહિત અનેક ગામોમાં આ જ સ્થિતિ જોવા મળી રહી છે. વીજ કંપનીની આ બેદરકારીથી ગ્રામજનોમાં ભારે નારાજગી છે અને તેમણે તાત્કાલિક વીજકાપનું ચોક્કસ સમયપત્રક જાહેર કરવાની માગ કરી છે.