પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. બીજ ભરવા પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓના સંઘને પૂરપાટ ઝડપે આવતી મિની ટ્રકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે પદયાત્રીઓના મોત થયા છે, જ્યારે ચાર પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, પદયાત્રીઓ બીજ ભરવા જઈ રહ્યા હતા ત્યારે જંગરાલ ગામ પાસે મિની ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને પદયાત્રીઓને અડફેટે લીધા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત ચારેય પદયાત્રીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત કરી ભાગી ગયેલા ટ્રક ચાલકને પકડવા માટે સ્થાનિક યુવાનોએ તેનો પીછો કર્યો હતો અને વરૂ ગામ પાસેથી ચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.