પાટણ શહેરમાં ગુરુવાર રાતથી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પવન સાથે થયેલા વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાયું હતું, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ખાસ કરીને પાટણ શહેરના રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી તે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગયું હતું. ગરનાળામાં કમરસમું પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. નવજીવન ચોકડીથી મુખ્ય બજાર તરફ જતા વાહનચાલકોને ખાસ કરીને મુશ્કેલી પડી હતી. બી.એમ. હાઈસ્કૂલ અને આનંદ સરોવર વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા હતા.
સાંતલપુરમાં મોડી રાતથી વરસી રહેલા સતત વરસાદથી ત્યાંના રસ્તાઓ પણ જળમગ્ન થઈ ગયા હતા. હાઈવે તેમજ બજારના માર્ગો પાણી પાણી થઈ જવાથી સ્થાનિકો અને વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. દિવસભર પાટણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.
પાટણ જિલ્લાના નવ તાલુકામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. શંખેશ્વર, સિદ્ધપુર, સાંતલપુર, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર સહિતના તાલુકાઓમાં મેઘમહેર થતાં કપાસ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાકોને ફાયદો થયો હતો, જેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલનપુરના અલગ-અલગ વિસ્તારો ભારે વરસાદના કારણે જળબંબાકાર થયા હતા. આઈટીઆઈથી વડગામને જોડતા રસ્તાની સૌથી દયનીય હાલત જોવા મળી હતી. અડધા ટુ-વ્હીલર ડૂબી જાય તેટલું પાણી રસ્તા પર ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસશે. અમદાવાદમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દાહોદ અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અરવલ્લી, ખેડા, ભરૂચ, મહિસાગર, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ છે. ડીપ ટ્રફ સક્રિય હોવાથી આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે.