હારીજ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટરના સ્થાને તેમના પતિ સ્ટેજ પર ઉપસ્થિત રહેતાં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ચંદ્રિકાબેન રાવળના બદલે તેમના પતિ દિનેશ રાવળ મંચ પર બિરાજમાન જોવા મળ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જ્યારે ચંદ્રિકાબેનનું નામ સન્માન માટે બોલવામાં આવ્યું, ત્યારે તેમના પતિ દિનેશ રાવળે જાહેર સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે ભાજપના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ઘટના બની હતી.
સરકારી કાર્યક્રમમાં મહિલા કોર્પોરેટરના પતિએ સન્માન સ્વીકારતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પતિરાજને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. આ ઘટના પ્રતિનિધિત્વ અને લોકશાહી મૂલ્યો પર ચર્ચા જગાવે છે.