સત્ય. સાહસ. સંકલ્પ.

હારીજમાં દશેરાની રાત્રે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશી યુવક ઝડપાયો

હારીજમાં દશેરાની રાત્રે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશી યુવક ઝડપાયો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં દશેરાની રાત્રે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી પડોશમાં રહેતો 20 વર્ષીય યુવક છે, જેને પોલીસે ઝડપી પાડી જેલમાં મોકલ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબરની રાત્રે બાળકી ગામમાં ગરબા જોવા અને રમવા ગઈ હતી. તેનો પિતા પણ ગરબી ચોકમાં હાજર હતા. ઘરે મહેમાન આવતાં પિતા થોડી વાર માટે ઘરે ગયા હતા. એ દરમિયાન આરોપીએ બાળકીને એકલી જોઈ, તેનો હાથ પકડી બળજબરીથી ઢસડીને ગામની એક શેરીમાં આવેલા વાડાના ઉકરડા પાછળ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

પિતા પરત ફર્યા બાદ દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરવામાં આવી. રાત્રે આશરે 11 વાગે ગરબાના માઈક પર બાળકીનું નામ એનાઉન્સ કરવામાં આવ્યું. નામ સાંભળતાં જ આરોપી ગભરાઈને ભાગી ગયો હતો અને બાળકી રડતી હાલતમાં ઘર તરફ આવી પહોંચી હતી.

બાળકીએ પરિવારજનોને આપવીતી જણાવતાં કહ્યું કે પડોશમાં રહેતા યુવકે તેની સાથે મારપીટ કરી હતી. પરિવારે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે BNS અને POCSO કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો.

હારીજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. આરોપીને પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરતાં અદાલતે તેને જેલહવાલે મોકલવાનો આદેશ કર્યો હતો. તપાસ અધિકારી પી.આઈ. એ.બી. મહેરીયાએ જણાવ્યું કે બાળકીની મેડિકલ તપાસ અને કોર્ટમાં નિવેદન નોંધાવવા સહિતની કાનૂની કાર્યવાહી ચાલુ છે.