સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણના જંગરાલમાં વીજકાપ સામે ખેડૂતોનો વિરોધ, UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું

પાટણના જંગરાલમાં વીજકાપ સામે ખેડૂતોનો વિરોધ, UGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યું

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે વીજળીના કાપ અને અનિયમિત પુરવઠા સામે ખેડૂતો તથા ગ્રામજનોએ વિરોધ યોજ્યો હતો. ઢોલ-નગારાં સાથે રેલી કાઢીને ગ્રામજનોએ UGVCLની કચેરી સુધી પોતાનો વિરોધ પહોંચાડ્યો હતો.

રેલીમાં જંગરાલ ગામના ખેડૂતો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો પણ આ વિરોધમાં ઉપસ્થિત રહ્યા હતા.

UGVCL કચેરીએ પહોંચ્યા બાદ ગ્રામજનોએ નાયબ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં વીજકાપની સમસ્યા વહેલી તકે દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે વીજળીના સમયપત્રકમાં અનિયમિતતા સર્જાય છે, જેના કારણે ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજે સમયસર વીજળી મળતી નથી, અને સમયમાં થતા ફેરફારને કારણે સિંચાઈ કરવામાં પણ તકલીફ પડે છે.

ગ્રામજનોએ માંગ કરી છે કે તેમને દરરોજ નવ કલાક વીજળી આપવામાં આવે અને તેનો સમય ખેતીકામ માટે અનુકૂળ રાખવામાં આવે. સાથે જ વીજ પુરવઠો નિયમિત રહે અને વારંવાર થતા વીજકાપનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.