પાટણના સંખારી રોડ પર આવેલી વૃંદાવન સોસાયટીમાં એકલા રહેતા ગોદાવરીબેનની હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી તેમનું મોત થયાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપીની ઓળખ કરી હતી.
સીસીટીવીમાં એક વ્યક્તિ ખાલી હાથે સોસાયટીમાં અંદર જતી અને બહાર નીકળતી વખતે થેલી લઈને જતી દેખાઈ હતી. પોલીસે ફૂટેજ ગોદાવરીબેનના સગાંઓને બતાવ્યા ત્યારે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો - એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ગોદાવરીબેનના ભત્રીજા જમાઈ યોગેશ રતિલાલ મકવાણા હતો. યોગેશ મહેસાણાના વીસનગર લીંક રોડ પર અમરપુરા પાસે આવેલી શિવમ હેરિટેજ સોસાયટીમાં રહેતો હતો.
પોલીસે જણાવ્યું કે યોગેશ ગોદાવરીબેનની અંતિમ વિધિમાં કાંધ આપવાથી લઈને બેસણાં સુધીની તમામ ક્રિયાઓમાં ગમગીન હાલતમાં પરિવારની સાથે જ હાજર રહ્યો હતો. વધુમાં તે પોલીસ ફરિયાદ વખતે અને તપાસમાં પણ હાજર રહ્યો હતો. આ હકીકત જાણીને પરિવારના સભ્યો ચોંકી ઉઠ્યા હતા.
પોલીસે 10મી જૂને યોગેશની ધરપકડ કરી હતી. પૂછપરછમાં તેણે ગોદાવરીબેનની હત્યા કરવાનું કબૂલ કર્યું હતું. યોગેશે જણાવ્યું કે ગોદાવરીબેન તેના ફોઈ સાસુ થતાં હોવાથી તે તેમને સારી રીતે ઓળખતો હતો અને તેમને કોઈ સંતાન નથી તેમજ તેઓ એકલા રહે છે તે જાણતો હતો.
હત્યા પાછળ બે કારણો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રથમ, યોગેશની પત્ની જ્યારે પણ ઘરમાં ઝઘડો થાય ત્યારે ગોદાવરીબેનને ફોન કરીને વાત કરતી અને ગોદાવરીબેન તેની ચઢામણી કરતાં, જેથી યોગેશના ઘરમાં કંકાસ વધતો. બીજું, યોગેશે નવું ઘર ખરીદ્યું હતું જેથી તેના પર દેવું વધી ગયું હતું અને લેણદારો ઉઘરાણી કરવા અવારનવાર તેના ઘરે આવતા હતા. લેણદારોના ત્રાસથી પરેશાન યોગેશને વિચાર આવ્યો કે ફોઈ સાસુ પાસે પૈસા છે અને તેઓ એકલા રહે છે, તેથી તેમની પાસેથી પૈસા માંગીશ. જો નહીં આપે તો હત્યા કરીને તેમના દાગીના લઈ લઈશ.
યોગેશે મનોમન પ્લાન ઘડીને ખાનગી વાહનમાં 56 કિલોમીટરનું અંતર કાપી મહેસાણાથી પાટણ આવ્યો. બપોરે દોઢેક વાગ્યાના અરસામાં તે સંખારી ત્રણ રસ્તા પાસે ઉતરીને ચાલતો વૃંદાવન સોસાયટી પહોંચ્યો. જ્યારે તે ગોદાવરીબેનના ઘરે પહોંચ્યો ત્યારે તેઓ જમતા હતા. યોગેશે ઉધાર પૈસા માંગ્યા પણ ગોદાવરીબેને કહ્યું કે મારી પાસે રોકડા રૂપિયા નથી. તેમણે જમી લીધા બાદ યોગેશે પત્નીની વાત કાઢી અને કહ્યું કે જ્યારે મારે પત્ની સાથે બોલાચાલી થાય ત્યારે તમે તેને સલાહ આપવાને બદલે ચઢામણી કરો છો, આ બંધ કરો. જવાબમાં ગોદાવરીબેને કહ્યું કે જો તમારાથી અમારી દીકરી ન સચવાતી હોય તો તેને મારા ઘરે મૂકી જાઓ. આથી યોગેશ ગુસ્સે ભરાયો અને તેણે ગોદાવરીબેનનું ગળું એટલા જોરથી દબાવ્યું કે તેમના દુપટ્ટાના બે કટકા થઈ ગયા. આમ, પોતાની જ ફોઈ સાસુની હત્યા કરીને યોગેશ ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.