સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણ-દ્વારકામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી; 7 દિવસ માટે આગાહી

પાટણ-દ્વારકામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશી; 7 દિવસ માટે આગાહી

પાટણ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. રાધનપુર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને ગરમી અને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.

રાધનપુર શહેરની સરસ્વતી સોસાયટી, અંબિકાનગર, જલારામ સોસાયટી અને અર્બુદાનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી હતી. રાધનપુર નજીકના પ્રેમનગર, કોલ્હાપુર, મહેમદાબાદ અને કલ્યાણપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કપાસ, એરંડા, બાજરી, જુવાર, મગ અને અડદ જેવા પાકને આ વરસાદથી ફાયદો થવાની આશા છે. પડેલા સારા વરસાદથી પાકને જરૂરી ભેજ મળી રહેવાની શક્યતા છે, જે પાકના વિકાસ માટે રાહતરૂપ ગણાય છે.

આખરે દ્વારકામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં અગાઉ ઓછો વરસાદ થયો હતો, જેથી ખેડૂતો ચિંતામાં હતા. આજે સવારથી દ્વારકામાં સારો વરસાદ વરસ્યો છે. ચાર કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. દ્વારકાના દર્શન માટે આવેલા ભક્તોએ વરસાદ વચ્ચે દર્શન કરીને વરસાદની મજા માણી હતી.

ધોધમાર વરસાદને કારણે ભદ્રકાલી ચોક અને ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ખાસ કરીને ઇસ્કોન ગેટ વિસ્તારમાં ઘૂંટણસમું પાણી ભરાયું હતું.

હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદ થવાની શક્યતા છે.