પાટણ જિલ્લામાં સિંચાઈના પાણીની ભારે અછત સર્જાઈ છે. સરસ્વતી તાલુકાના રણાવ, મેલુસણ, મોરપા, ઘેચેલી, ધારૂસણા અને કાનોસણ સહિતના ગામોમાં પાણી વિના ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ અને ખાતર લઈને એરંડા, કપાસ અને ઘાસચારાનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ ખેંચાતા અને કેનાલોમાં પાણી ન છોડાતા પાક સુકાવાની અણી પર છે.
રાજ્ય સરકારે ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ પાટણને બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોએ રણાવ ગામના સુકાભઠ્ઠ તળાવમાં એકઠા થઈને સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માંગ છે કે કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે અથવા પાટણ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને યોગ્ય વળતર આપવામાં આવે.
ખેડૂતોએ જણાવ્યું કે તેમણે વીઘાદીઠ 10,000થી 12,000 રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું. હવે પાણીની અછતને કારણે પાક સુકાઈ રહ્યો છે અને દવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. આ ઉપરાંત પશુપાલન પર પણ અસર થઈ છે. ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે અને બજારમાં ઘાસના પૂળાનો ભાવ 40થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય ખેડૂત માટે પરવડે તેમ નથી.
સરસ્વતી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા માઈનોર કેનાલમાં પાણીના અભાવે ધૂળ ઊડી રહી છે. ખેડૂતોએ પાક બચાવવા માટે લાખો રૂપિયાના પંપ અને મશીનો વસાવ્યા હતા, પરંતુ પાણી ન હોવાથી તેમનો ખર્ચ વ્યર્થ ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કેનાલોમાં તાકીદે પાણી છોડવાની રજૂઆત કરી છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર સરસ્વતી તાલુકાની સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવે, પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં લઈને તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરે અને રાહત સહાય ચૂકવે અથવા કેનાલોમાં પાણી છોડીને પાક બચાવવાની વ્યવસ્થા કરે. હવે જોવાનું એ છે કે સરકાર ક્યારે નર્મદા અને દાંતીવાડાના પાણીને સૂકી કેનાલોમાં વહેવડાવીને ખેડૂતોને રાહત આપે છે.