સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણ કોંગ્રેસ કાર્યાલય વિવાદ: ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંસદ ગેનીબેન ઠાકોરની રેલી, 326 કલમ રદ કરવાની માંગ

પાટણ કોંગ્રેસ કાર્યાલય વિવાદ: ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંસદ ગેનીબેન ઠાકોરની રેલી, 326 કલમ રદ કરવાની માંગ

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે 12 ઓક્ટોબરે બનેલી ઘટના બાદ કોંગ્રેસના બે મહિલા કાર્યકરો સામે નોંધાયેલી એફઆઈઆર અને પોલીસ કાર્યવાહી સામે કોંગ્રેસે શુક્રવારે પાટણમાં વિશાળ રેલી કાઢીને બી. ડિવિઝન પોલીસ મથકે ઉગ્ર વિરોધ કર્યો હતો. પોલીસે સુરક્ષા માટે પોલીસ સ્ટેશન પર ત્રણ સ્તરીય બેરિકેડિંગ કર્યું હતું.

રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર કાર્યકરો સાથે બેઠા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોલીસ મથકમાં જઈ ડીવાયએસપી પરેશ રેણુકા સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

ધારાસભ્ય કિરીટ પટેલે પોલીસ કાર્યવાહી સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભાજપ મહિલા મોરચાના કાર્યકરો રાહુલ ગાંધીના ફોટા પર શાહી ફેંકવા આવ્યા હતા અને તેમની પાસે કોઈ સત્તાવાર પરવાનગી નહોતી. રાહુલ ગાંધીનું બંધારણીય પદ હોવા છતાં પોલીસે તેમને રોકવાના બદલે સીધા કાર્યાલય સુધી પહોંચવા દીધા. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કર્યા વિના બીએનએસની કલમ 117(3) અને આઈપીસી 326 હેઠળ ગુનો દાખલ કર્યો છે, જે પાયાવિહોણો છે. ફરિયાદી પક્ષે શાહીથી અંધાપો આવ્યો હોવાના અને બેભાન થઈ જવાના ખોટા દાવા કર્યા છે. તેથી પોલીસે તાત્કાલિક મેડિકલ સર્ટિફિકેટ મેળવીને કોર્ટમાં આ કલમો રદ કરવાનો રિપોર્ટ રજૂ કરવો જોઈએ."

તેમણે ચેતવણી આપી કે, કોંગ્રેસની મહિલાઓ સાથે થયેલી ઝપાઝપી અને ગેરવર્તણૂક અંગે અપાયેલી અરજીની નિષ્પક્ષ તપાસ કરી તાત્કાલિક ફરિયાદ નોંધવામાં ન આવે તો સમગ્ર ગુજરાતમાંથી કાર્યકરોને એકત્ર કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવામાં આવશે.

સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો કે, 12 ઓક્ટોબરે ભાજપ મહિલા મોરચાના કાર્યકરો પૂર્વ આયોજિત રીતે શાહી લઈને કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવા આવ્યા હતા. ભાજપના હોદ્દેદારોના દબાણ હેઠળ પોલીસે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને કાર્યકર સામે કલમ 326 હેઠળ એકતરફી કેસ કર્યો છે, જ્યારે કોંગ્રેસે ભાજપના હુમલાખોરો સામે કલમ 307 હેઠળ ગુનો નોંધવા અરજી આપવા છતાં 3 દિવસથી કોઈ ગુનો નોંધાયો નથી.

કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં મહિલા કાર્યકરો સામેની ખોટી કલમો તાત્કાલિક રદ કરવી, આરોપીઓના જામીન માટે યોગ્ય પોલીસ એફિડેવિટ રજૂ કરવી અને ભાજપના હુમલાખોરો સામે વળતી એફઆઈઆર નોંધી કાયદેસર કાર્યવાહી કરવી સામેલ છે. જો આ માંગણીઓ ન માનવામાં આવે તો એસપી કક્ષાએ રજૂઆત કરી ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપવામાં આવી હતી. રજૂઆત બાદ કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ જિલ્લા પોલીસ વડાને મળવા રવાના થયું હતું. વિરોધ બાદ પોલીસે કોંગ્રેસની મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સાંસદ અને જેએનયુના પ્રોફેસર વિમલ અજવાઈકન દ્વારા 11 વિદ્યાર્થિનીઓ પર કરાયેલા જાતીય શોષણના વિરોધમાં 12 ઓક્ટોબરે ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું અને શાહી ફેંકવાની ઘટનાથી મામલો વધુ તંગ બન્યો હતો.