પાટણ જિલ્લાના ચડાસણા ગામમાં શ્રદ્ધા અને સમર્પણનું ઉદાહરણ જોવા મળ્યું છે. ગામના સ્વ. કમશીભાઈ મોહનભાઈ દેસાઈની અંતિમ ઈચ્છાને માન આપીને તેમનાં પત્ની ગંગાબેન કમશીભાઈ દેસાઈએ ગૌશાળાના નિર્માણ માટે પોતાની આશરે 7 કરોડ રૂપિયા કિંમતની 25 વીઘા જમીન તરભ વાળીનાથ ધામને અર્પણ કરી છે.
સ્વ. કમશીભાઈ દેસાઈની ભાવના હતી કે તેમના પછી તેમની મિલકત અને જમીનનો ઉપયોગ કોઈ સત્કાર્ય અથવા ધર્મકાર્ય માટે કરવામાં આવે. પતિની આ ઈચ્છા અને તરભ વાળીનાથ ધામ પ્રત્યેની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને ગંગાબેને પરિવારજનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં 25 વીઘા જમીન વાળીનાથ ધામને અર્પણ કરી હતી. પતિની અંતિમ ઈચ્છાને સાકાર કરવા માટે ગંગાબેને લીધેલા આ નિર્ણયની સમગ્ર પંથકમાં સરાહના થઈ રહી છે.
ચડાસણા ખાતે દાનમાં મળેલી જમીન પર તરભ વાળીનાથ ધામ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શ્રી વાળીનાથ (લાડચી) ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. આ ગૌશાળામાં ગાયોના નિભાવ અને સારસંભાળ ઉપરાંત ચાલી ન શકતી અને બીમાર ગાયોની સેવા માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ગૌશાળાના નિર્માણ માટે ભૂમિપૂજન અને દાતાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આશીર્વચન આપતાં તરભ વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુએ જણાવ્યું હતું કે ગાયોની સેવા એ પુણ્યકાર્ય છે. સ્વ. કમશીભાઈ અને ગંગાબેન દેસાઈ પરિવારે ગૌવંશના નિભાવ અને બીમાર તથા અશક્ત ગાયોની સારસંભાળ માટે જમીન અર્પણ કરી છે. હાલ વાળીનાથ મંદિરમાં સવા ચારસો જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. ગૌવંશની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચડાસણા ખાતે પણ મોટી અને આધુનિક ગૌશાળા બનાવવામાં આવશે, જેથી વધુ ગાયોની સેવા થઈ શકે.
મહંત જયરામગીરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે વાળીનાથ પરંપરા પ્રત્યે ભક્તોમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા છે. લોકો પોતાની જીવનભરની કમાણી અને મિલકત ધર્મકાર્ય તથા સેવાકાર્યોમાં વપરાય તેવા ભાવથી દાન આપી રહ્યા છે. ગૌસેવા માટે જમીનનું દાન એ આ શ્રદ્ધા અને સમર્પણનું ઉદાહરણ છે.
ચડાસણા ખાતે યોજાયેલા ભૂમિપૂજન અને દાતાઓના સન્માન સમારોહમાં પરમ પૂજ્ય કોઠારી દશરથગીરી બાપુ, વાળીનાથ ધામના સેવકો, દેસાઈ પરિવારના સભ્યો, સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ ગંગાબેન દેસાઈ અને તેમના પરિવારના ગૌસેવા માટેના મહાદાનને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. પતિની અંતિમ ઈચ્છાને પૂરી કરવા માટે ગંગાબેને કરેલું આ દાન ગૌસેવા અને સમાજસેવા માટે પ્રેરણારૂપ બન્યું છે.