સત્ય. સાહસ. સંકલ્પ.

પાટણમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મહિલા કાર્યકરો પર શાહી ફેંકાઈ

પાટણમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મહિલા કાર્યકરો પર શાહી ફેંકાઈ

પાટણ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સામસામે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. આ ઘટના પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બની હતી, જ્યાં પાટણ જિલ્લા ભાજપની મહિલા કાર્યકરો રેલી સ્વરૂપે પહોંચી હતી.

ભાજપની મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધી પર મહિલાઓના અપમાનના આરોપ સાથે વિરોધ કર્યો હતો અને તેમની વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય પર ઉપસ્થિત મહિલાઓ અને કાર્યકરોએ ભાજપની મહિલા કાર્યકરો પર શાહી ફેંકી હતી, જેના કારણે મામલો તંગ બની ગયો હતો.

શાહી ફેંકવાની ઘટના બાદ બંને પક્ષો વચ્ચે પરિસ્થિતિ વધુ વણસી હતી અને ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાસ્થળે હાજર પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા શાહી ફેંકનાર મહિલા કાર્યકરો સહિત 25થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

પોલીસની આ કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બંને પક્ષોના સામસામે વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચારને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.