સત્ય. સાહસ. સંકલ્પ.

બાળકોના પાસપોર્ટના નિયમો બદલાયા, ફી ₹1,500થી વધીને ₹2,500

બાળકોના પાસપોર્ટના નિયમો બદલાયા, ફી ₹1,500થી વધીને ₹2,500

વિદેશ મંત્રાલયે 'પાસપોર્ટ સુધારા નિયમ, 2026' સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરીને અમલી બનાવ્યા છે. આ નવા નિયમો હેઠળ બાળકોના પાસપોર્ટની માન્યતા સ્પષ્ટ કરવામાં આવી છે અને સામાન્ય, તત્કાલ, રિન્યુઅલ તથા રિપ્લેસમેન્ટ સહિત તમામ કેટેગરીમાં પાસપોર્ટ ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

નવા નિયમો મુજબ, 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇશ્યૂ થનાર 36 પેજના સામાન્ય પાસપોર્ટની માન્યતા હવે પાસપોર્ટ જારી થયાની તારીખથી 5 વર્ષ અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જ રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો વહેલો પૂરો થાય તે મુજબ પાસપોર્ટની માન્યતા આપોઆપ પૂરી થઈ જશે. એટલે કે, જો 5 વર્ષ પૂરા થવા પહેલાં જ બાળક 18 વર્ષનું થઈ જાય તો તેનો પાસપોર્ટ તે જ સમયે એક્સપાયર ગણાશે.

પુખ્ત વયના લોકો માટે 36 પેજના પાસપોર્ટની ફી અગાઉ ₹1,500 હતી, જે હવે વધારીને ₹2,500 કરવામાં આવી છે. જ્યારે 60 પેજના જમ્બો પાસપોર્ટ માટે પહેલાં ₹2,000 ચૂકવવા પડતા હતા, હવે ₹3,500 ચૂકવવા પડશે.

તત્કાલ સેવા હેઠળ પાસપોર્ટ મેળવવો પણ હવે વધુ ખર્ચાળ બન્યો છે. 36 પેજના તત્કાલ પાસપોર્ટ માટે ₹3,500ને બદલે ₹5,000 ચૂકવવા પડશે, જ્યારે 60 પેજના તત્કાલ પાસપોર્ટની ફી ₹4,000થી વધારીને ₹6,000 કરવામાં આવી છે. વધુમાં, 60 પેજનો પાસપોર્ટ ખોવાઈ જાય કે ખરાબ થઈ જાય અને તત્કાલ સ્કીમ હેઠળ નવો કઢાવવો હોય તો પહેલાંની ₹5,500ની સામે હવે ₹8,500 ચૂકવવા પડશે.

બાળકો માટે 36 પેજના નવા કે રિ-ઇશ્યૂ થનાર સામાન્ય પાસપોર્ટની ફી ₹1,000થી વધારીને ₹1,750 કરવામાં આવી છે, જ્યારે આ જ પાસપોર્ટ માટે તત્કાલ સેવામાં ₹3,000 ચાર્જ લાગશે. રાહતની વાત એ છે કે 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને નવા પાસપોર્ટની અરજી પર 10 ટકા છૂટ યથાવત્ રાખવામાં આવી છે, પરંતુ આ છૂટ રિ-ઇશ્યૂના કિસ્સામાં મળશે નહીં.