પાસપોર્ટ સહિતના સરકારી દસ્તાવેજોમાં સાચી માહિતી હોવી જરૂરી છે. ઘણી વખત લગ્ન પછી અટક બદલવી કે અન્ય કોઈ કારણસર નામ બદલવાની જરૂર પડે છે. આવા સંજોગોમાં પાસપોર્ટમાં પણ નામ સુધારવું જરૂરી બને છે.
પાસપોર્ટમાં નામ બદલવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન નથી. તમારે પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવી પડે છે. પણ તે પહેલાં કેટલાક મહત્વના પગલાં ભરવાના હોય છે.
સૌપ્રથમ, તમારે અન્ય સરકારી દસ્તાવેજોમાં નામ સુધારવું પડશે, જેમ કે આધાર કાર્ડ. આધાર કાર્ડમાં નામ સુધાર્યા પછી તે દસ્તાવેજ પાસપોર્ટમાં નામ બદલવા માટે પૂરાવા તરીકે કામ આવશે.
ત્યારબાદ, તમારે એફિડેવિટ (સોગંદનામું) તૈયાર કરવાની જરૂર પડશે. આ માટે જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે. તેની કિંમત લગભગ ₹100 કે તેનાથી વધુ હોઈ શકે છે. આ એફિડેવિટ વકીલ દ્વારા તૈયાર કરાવી શકાય છે.
નામ બદલવાની જાહેરાત માટે તમારે તમારા શહેરમાં પ્રકાશિત થતા બે અખબારોમાં નોટિસ આપવી પડશે. એક અખબાર પ્રાદેશિક ભાષામાં અને બીજું અંગ્રેજીમાં હોવું જોઈએ.
આ બધી પ્રક્રિયા બાદ, તમારે પાસપોર્ટ સેવા કેન્દ્રની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે. જો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ ન લઈ શકો તો સીધા પાસપોર્ટ ઓફિસમાં પણ જઈ શકાય છે. પણ ઓફિસમાં જતી વખતે બધા મૂળ દસ્તાવેજો અને તેની સ્વ-પ્રમાણિત નકલો સાથે લઈ જવાનું ભૂલશો નહીં.
ઓફિસમાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તમારો પાસપોર્ટ નવા નામ સાથે ફરીથી જારી કરવામાં આવશે.