સત્ય. સાહસ. સંકલ્પ.

BCCIએ પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા, કૃષ્ણા દાસ અને રાકેશ પટેલ પણ પસંદગીકાર તરીકે જોડાયા

BCCIએ પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ બનાવ્યા, કૃષ્ણા દાસ અને રાકેશ પટેલ પણ પસંદગીકાર તરીકે જોડાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભૂતપૂર્વ ઝડપી બોલર પરવિંદર અવાનાને જુનિયર પસંદગી સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. BCCIના જણાવ્યા અનુસાર, ક્રિકેટ સલાહકાર સમિતિએ ઇન્ટરવ્યૂ બાદ અવાનાની પસંદગી કરી છે.

અવાના સાથે કૃષ્ણા દાસ, રાકેશ પટેલ અને એન અર્જુન યાદવ પણ પસંદગીકાર તરીકે જોડાયા છે. સમિતિમાં પાંચમા સભ્યની નિમણૂક હજુ બાકી છે.

અવાનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ટૂંકી રહી. 2012માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે તેની પસંદગી થઈ હતી, પરંતુ તેને રમવાની તક મળી નહોતી. ત્યારબાદ તેણે ભારત માટે બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં તેને એક પણ વિકેટ મળી નહોતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મર્યાદિત તક મળવા છતાં અવાનાએ ઘરેલુ ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી. તેણે દિલ્હી માટે 62 ફર્સ્ટ ક્લાસ મેચમાં 191 વિકેટ ઝડપી. તે ઇન્ડિયા-A અને રેસ્ટ ઓફ ઇન્ડિયા જેવી ટીમોનો પણ ભાગ રહ્યો.

IPLમાં અવાના 2012થી 2014 દરમિયાન પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો હતો. આ દરમિયાન તેણે 33 મેચમાં 39 વિકેટ મેળવી.

અવાનાની સફળતા પાછળ તેની માતાના સંઘર્ષનો મોટો ફાળો છે. અવાનાના પિતાનું અવસાન થયું ત્યારે તે માત્ર 14 વર્ષનો હતો. ત્યારબાદ તેની માતાએ નોઈડા ઓથોરિટી માટે માળી તરીકે કામ કરીને પરિવાર સંભાળ્યો અને દીકરાને ક્રિકેટર બનવામાં મદદ કરી.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ અવાનાએ કોચિંગ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું. તેણે દિલ્હીની અંડર-16, અંડર-19 અને અંડર-23 ટીમો સાથે કામ કરીને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું છે.

હવે જુનિયર પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે અવાનાની સામે દેશના પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને પારખવાની જવાબદારી રહેશે.