સત્ય. સાહસ. સંકલ્પ.

પાર્થિવ પટેલે ચીફ સિલેક્ટરની રેસમાંથી નામ પાછું ખેંચ્યું, હવે પ્રજ્ઞાન ઓઝા આગળ

પાર્થિવ પટેલે ચીફ સિલેક્ટરની રેસમાંથી નામ પાછું ખેંચ્યું, હવે પ્રજ્ઞાન ઓઝા આગળ

ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના નવા ચીફ સિલેક્ટર કોણ બનશે તે અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થયા બાદ BCCIએ નવા પસંદગીકારો માટે અરજીઓ મંગાવી હતી. એવી અપેક્ષા હતી કે ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલ આ પદ માટે અરજી કરશે અને તે મુખ્ય પસંદગીકાર બનવાની રેસમાં સૌથી આગળ હતા.

જોકે, 14 ઓક્ટોબરે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ પાર્થિવ પટેલની અરજી BCCIને મળી નથી. આનો અર્થ એ થયો કે પાર્થિવ પટેલ આગામી સમયમાં IPL 2027માં ગુજરાત ટાઇટન્સના કોચિંગ સ્ટાફ સાથે જ રહેશે. તેમણે પસંદગી સમિતિમાં જવાને બદલે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ સાથે જોડાયેલા રહેવાનું પસંદ કર્યું છે.

હવે પાર્થિવ પટેલનું નામ રેસમાંથી હટી જવાને કારણે ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. પ્રજ્ઞાન ઓઝા પહેલેથી જ પસંદગી સમિતિનો ભાગ છે અને વર્તમાન સમિતિમાં સૌથી અનુભવી ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર છે. તેમણે ભારત માટે 24 ટેસ્ટ મેચ રમી છે.

પ્રજ્ઞાન ઓઝાને સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો, જે તેમના ક્રિકેટ કરિયરની એક યાદગાર ક્ષણ છે. હવે તેમને ચીફ સિલેક્ટર બનવા માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. BCCI નજીકના દિવસોમાં નવા ચીફ સિલેક્ટરની જાહેરાત કરી શકે છે.