ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરનો કાર્યકાળ વધારવામાં આવશે નહીં તેવા અહેવાલ છે. એક રિપોર્ટ મુજબ, આ નિર્ણય અગરકરનો પોતાનો છે અને તેમણે બોર્ડને આ અંગે જાણ કરી દીધી છે. અગરકર જુલાઈ 2023માં ચીફ સિલેક્ટર બન્યા હતા અને તેમનો કાર્યકાળ ઓક્ટોબર 2026 સુધીનો હતો.
આ વચ્ચે, પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બનવાની રેસમાં સૌથી આગળ હોવાના સમાચાર છે. 41 વર્ષીય પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. તેમણે 38 ટેસ્ટ ઇનિંગ્સમાં 934 રન, 34 વનડે ઇનિંગ્સમાં 736 રન અને 2 T20 ઇનિંગ્સમાં 36 રન બનાવ્યા છે. ભારત માટે તેમણે છેલ્લી મેચ 2018માં રમી હતી.
થોડા દિવસો પહેલા BCCIની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, VVS લક્ષ્મણ અને મિથુન મન્હાસ સહિત અનેક મહત્વના લોકો હાજર રહ્યા હતા. જોકે, અજિત અગરકર આ બેઠકમાં હાજર રહ્યા નહોતા અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પણ જોડાયા નહોતા. એક સૂત્રએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, ભારતીય ક્રિકેટમાં બધા પ્રમુખો એક છત નીચે હોય એવું અવારનવાર બનતું નથી. તેથી, જરૂરી બેઠકમાં સિનિયર સિલેક્શન કમિટીના ચેરમેનની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
આ દરમિયાન, પાર્થિવ પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે, "Coming soon. I'm in." આ પોસ્ટ બાદ નવા ચીફ સિલેક્ટર કોણ બનશે તે અંગે અટકળો વધુ તેજ બની છે. જોકે, પોસ્ટ પાછળનો ચોક્કસ ઈરાદો હજુ સ્પષ્ટ નથી.
રિપોર્ટ અનુસાર, જો અગરકરનો કાર્યકાળ લંબાવવામાં ન આવે તો પાર્થિવ પટેલ નવા ચીફ સિલેક્ટર બની શકે છે. જોકે, નિમણૂકની પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.