સત્ય. સાહસ. સંકલ્પ.

પાર્થ ભૂતની 10 વિકેટ, સૌરાષ્ટ્રનો આસામ પર દબદબો

પાર્થ ભૂતની 10 વિકેટ, સૌરાષ્ટ્રનો આસામ પર દબદબો

રણજી ટ્રોફી એલિટ ગ્રુપ Bની મેચમાં સૌરાષ્ટ્રે આસામને એક ઇનિંગ્સ અને 12 રને હરાવ્યું છે. ડાબોડી સ્પિનર પાર્થ ભૂતે મેચમાં કુલ 10 વિકેટ લઈને પોતાનું કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે સૌરાષ્ટ્રને બોનસ પોઈન્ટ મળ્યો છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

મેચના ત્રીજા દિવસે આસામની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 94 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાર્થ ભૂતે 18 ઓવરમાં 10 મેડન ફેંકીને માત્ર 17 રન આપ્યા અને 8 વિકેટ ઝડપી હતી. તેમણે 7 રનની અંદર 6 વિકેટ લઈને આસામની બેટિંગને લૂલી પાડી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી હતી અને મેચમાં કુલ 4 વિકેટ મેળવી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં આસામે 281 રન બનાવ્યા હતા. સિબશંકર રોયે સદી ફટકારી હતી અને કેપ્ટન ડેનિશ દાસે 90 રનનું યોગદાન આપ્યું હતું. સૌરાષ્ટ્ર તરફથી જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને પાર્થ ભૂતે 2-2 વિકેટ લીધી હતી. જવાબમાં સૌરાષ્ટ્રે 387 રન બનાવીને 106 રનની લીડ મેળવી હતી. હેત્વિક કોટકે 80 રન અને પ્રેરક માંકડે 76 રનની ઇનિંગ્સ રમી હતી.

આ જીત સાથે સૌરાષ્ટ્રના 3 મેચમાં 12 પોઈન્ટ થયા છે. ટીમે 1 મેચ જીતી છે અને 2 મેચ ડ્રો કરી છે.

અન્ય મેચમાં કર્ણાટકે ત્રિપુરાને એક ઇનિંગ્સ અને 116 રને હરાવ્યું હતું. ત્રિપુરાએ પ્રથમ ઇનિંગ્સમાં 194 અને બીજી ઇનિંગ્સમાં 180 રન બનાવ્યા હતા, જ્યારે કર્ણાટકે 9 વિકેટે 490 રન બનાવીને ડિકલેર કર્યું હતું. શ્રેયસ ગોપાલે બીજી ઇનિંગ્સમાં 36 રન આપીને 5 વિકેટ લીધી હતી. સિકંદરાબાદમાં પંજાબ અને હૈદરાબાદ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. પંજાબે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટે 240 રન કરીને ડિકલેર કર્યું હતું.