ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે દેશ-વિદેશના છ મોટા પારસી સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ટાટા ટ્રસ્ટ્સનું સમર્થન વ્યક્ત કર્યું છે. સંગઠનોએ વડાપ્રધાનને અપીલ કરી છે કે ટાટા ગ્રુપના વર્ષો જૂના માલિકી હક અને કામકાજની પદ્ધતિને જાળવી રાખવામાં આવે, જેથી તેની સમાજસેવા અને પરોપકારની પરંપરા ચાલુ રહે.
સંગઠનોનું કહેવું છે કે આ મુદ્દો માત્ર બે શેરધારકોની લડાઈ નથી, કારણ કે તેની સીધી અસર દેશના સૌથી મોટા અને વિશ્વસનીય બિઝનેસ ગ્રુપના ભવિષ્ય પર પડશે. તેમણે જણાવ્યું કે ટાટા સન્સને શેરબજારમાં લિસ્ટ કરવું માત્ર નિયમોનો મામલો નથી. જો કંપની બજારમાં આવે છે, તો તેના પર દર ત્રણ મહિને નફો દર્શાવવાનું અને શેરની કિંમત વધારવાનું દબાણ રહેશે. આનાથી ટાટાનો વર્ષોથી ચાલ્યો આવતો વિશ્વાસ અને કામ કરવાની રીત નબળી પડી શકે છે, જેના કારણે ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ અને સમાજસેવા પર અસર પડી શકે છે.
ટાટા ગ્રુપની મુખ્ય કંપની 'ટાટા સન્સ'માં 66% હિસ્સેદારી ટાટાના ચેરિટેબલ ટ્રસ્ટ્સ પાસે છે. આ કારણે કંપનીઓમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો સીધો સમાજસેવા, હોસ્પિટલો, શિક્ષણ અને સંશોધનમાં ખર્ચાય છે. પારસી સંગઠનોનું કહેવું છે કે આ વિશિષ્ટ મોડલને કારણે ટાટા કોઈપણ દબાણ વિના દેશના મોટા અને લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં નાણાંનું રોકાણ કરી શકે છે.
સંગઠનોએ ટાટાના દેશના વિકાસમાં યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ટાટાએ માત્ર કંપનીઓ જ નથી બનાવી, પરંતુ ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ અને IISc તથા TIFR જેવી દેશની મોટી સંશોધન સંસ્થાઓ પણ આપી છે. આજે પણ ટાટા ગ્રુપ સેમિકન્ડક્ટર, ડિફેન્સ, ઇલેક્ટ્રિક વાહનો અને સ્વચ્છ ઊર્જા જેવા મોટા અને નવા પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કરી રહ્યું છે. સંગઠનોના મતે, ભારતને 2047 સુધી વિકસિત દેશ બનાવવા માટે ટાટાની આ સેવાભાવના અને કામ કરવાની રીતને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.