સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રોટીનમાં ચિકન અને ઈંડાને પાછળ છોડે છે પાર્મેસન ચીઝ, 100 ગ્રામમાં 36 ગ્રામ પ્રોટીન

પ્રોટીનમાં ચિકન અને ઈંડાને પાછળ છોડે છે પાર્મેસન ચીઝ, 100 ગ્રામમાં 36 ગ્રામ પ્રોટીન

શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ઘણા લોકો માત્ર ઈંડા, ચિકન કે દાળ પર નિર્ભર રહે છે. પરંતુ ગ્લોબલ ફૂડ ગાઈડ TasteAtlas દ્વારા તાજેતરમાં શેર કરવામાં આવેલી યાદી પ્રમાણે એક એવો ખાદ્યપદાર્થ છે જે પ્રોટીનની બાબતમાં આ બધાને પાછળ છોડી દે છે. તે છે પાર્મેસન ચીઝ.

TasteAtlasના આંકડા મુજબ, દર 100 ગ્રામ પાર્મેસન ચીઝમાં આશરે 36 ગ્રામ પ્રોટીન મળે છે. આ રીતે તે ચિકન બ્રેસ્ટ, ટૂના માછલી, બીફ, બદામ, ટોફૂ, ઈંડા અને દાળ કરતાં પણ આગળ નીકળે છે. ગાયના દૂધમાંથી બનતી આ ચીઝ લાંબા સમય સુધી પ્રોસેસ કરીને તૈયાર કરવામાં આવે છે અને તેનો સ્વાદ સહેજ ખારો હોય છે. સામાન્ય રીતે તેને પાસ્તા, સૂપ કે સલાડ પર છીણીને ખાવામાં આવે છે.

જોકે, એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચિકન કે દાળની જેમ ચીઝને મોટા પ્રમાણમાં ખાઈ શકાતી નથી, કારણ કે તેમાં ફેટ અને સોડિયમનું પ્રમાણ પણ ઊંચું હોય છે.

અન્ય ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ (દર 100 ગ્રામે):

ચિકન બ્રેસ્ટ: આશરે 32 ગ્રામ. ફેટ ઓછું હોવાથી ફિટનેસ પસંદ કરનારા લોકોમાં તે લોકપ્રિય છે.

ટૂના ફિશ: આશરે 30 ગ્રામ. ગ્રીલ કરીને કે સલાડ સાથે ખાઈ શકાય.

બીફ સ્કર્ટ સ્ટેક: ગ્રીલ્ડ બીફમાંથી આશરે 29 ગ્રામ પ્રોટીન મળે છે.

બદામ: કાચા બદામમાં આશરે 21 ગ્રામ પ્રોટીન મળે છે. તેમાં હેલ્ધી ફેટ્સ અને ફાઈબર પણ હોય છે, પણ કેલરી વધુ હોવાથી મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ.

ટોફૂ: સોયાબીનમાંથી બનતા ટોફૂમાં આશરે 17 ગ્રામ પ્રોટીન હોય છે. શાકાહારી અને વિગન લોકો માટે તે પનીરનો સારો વિકલ્પ છે.

બાફેલા ઈંડા: આશરે 13 ગ્રામ પ્રોટીન. રોજિંદા આહારમાં પ્રોટીનનો સૌથી સહેલો સ્ત્રોત.

રાંધેલી દાળ: આશરે 9 ગ્રામ પ્રોટીન. તે પ્રોટીન ઉપરાંત ડાયેટરી ફાઈબરનો પણ સારો સ્ત્રોત છે.