સત્ય. સાહસ. સંકલ્પ.

પાર્કિન્સન સારવારમાં નવી આશા: સ્ટેમ સેલ થેરાપીથી મગજમાં ડોપામાઈનનું સર્જન

પાર્કિન્સન સારવારમાં નવી આશા: સ્ટેમ સેલ થેરાપીથી મગજમાં ડોપામાઈનનું સર્જન

જાપાનની ક્યોટો યુનિવર્સિટીની હોસ્પિટલમાં પાર્કિન્સન રોગની સારવાર માટે એક મહત્ત્વપૂર્ણ પ્રયોગ સફળ થયો છે. સંશોધકોએ લેબમાં બનાવેલા સ્ટેમ સેલને સાત દર્દીઓના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે, જેનાથી તેમના મગજમાં ફરીથી ડોપામાઈન બનવા લાગ્યું છે. આ પ્રયોગના તારણો નેચર મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયા છે.

પાર્કિન્સન રોગમાં મગજમાં ડોપામાઈન બનાવતા કોષો ધીમે ધીમે નાશ પામે છે. ડોપામાઈન શરીરની હિલચાલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ રોગનો હાલમાં કોઈ સચોટ ઈલાજ નથી, પરંતુ શરૂઆતી લક્ષણોને કાબૂમાં રાખી શકાય છે. જાપાનના સંશોધકોએ ઈન્ડ્યુસ્ડ પ્લુરિપોટેન્ટ સ્ટેમ સેલ (iPS) નામના લેબમાં બનાવેલા સ્ટેમ સેલનું દર્દીઓના મગજમાં ઈમ્પ્લાન્ટ કર્યું હતું. આ સ્ટેમ સેલ ડોપામાઈન ઉત્પન્ન કરતા કોષોમાં પરિવર્તિત થઈ શકે છે.

સંશોધકોએ 50 થી 69 વર્ષની વયના સાત દર્દીઓ પર આ પરીક્ષણ કર્યું હતું. તેમાં નાની સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી, પરંતુ સંશોધકો હવે આગળ કોઈ ગંભીર આડઅસર થાય છે કે નહીં તેના પર નજર રાખી રહ્યા છે. વળી, આ સ્ટેમ સેલ કેટલો સમય કાર્યરત રહે છે તેનું પણ અવલોકન કરવામાં આવી રહ્યું છે. 50 વર્ષની એક મહિલા દર્દી સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મેળવીને કામ પર પણ પાછી ફરી છે.

હાલમાં આ સારવાર સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી. જાપાન સરકારે મર્યાદિત સંખ્યામાં તેની પરવાનગી આપી છે. સુમિતોમો ફાર્મા અને ક્યોટો હોસ્પિટલના સંયુક્ત પ્રોજેક્ટના ભાગરૂપે આ ટ્રાયલ હાથ ધરવામાં આવી છે. કંપની 2029માં 20થી 30 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ આ સારવારનું ભવિષ્ય નક્કી થશે.