સત્ય. સાહસ. સંકલ્પ.

પેરિસમાં BAPS પ્રવાસ દરમિયાન મહિલા સ્ટાફને હટાવવાના આરોપ, એફિલ ટાવર બંધ રાખવો પડ્યો

પેરિસમાં BAPS પ્રવાસ દરમિયાન મહિલા સ્ટાફને હટાવવાના આરોપ, એફિલ ટાવર બંધ રાખવો પડ્યો

ફ્રાન્સના પેરિસમાં આવેલા એફિલ ટાવરને સોમવારે સ્ટાફના વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે બંધ રાખવાની ફરજ પડી હતી. BAPS સંગઠનના સંતો અને હરિભક્તોની ખાનગી મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની ફરજના સ્થળેથી હટાવી દેવાઈ હોવાના આરોપો બાદ સ્ટાફમાં ભારે રોષ ફેલાયો હતો.

યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જ્યારે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાત ચાલી રહી હતી ત્યારે મહિલા કર્મચારીઓને તેમના કામના સ્થળેથી હટી જવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે. આ આરોપો બાદ કર્મચારીઓએ સોમવારે સવારે બેઠક બોલાવી હતી, જેના કારણે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખુલ્યો હતો. ટાવરના ગેટ પર 'ઓપરેશનલ કારણોસર વિલંબ' જાહેર કરતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.

એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ જણાવ્યું કે, BAPS દ્વારા 'મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે' તે રીતે મુલાકાત ગોઠવવાની વિનંતી કરવામાં આવી હતી. જોકે, મેનેજમેન્ટે આ મામલે સ્ટાફની માફી માંગી લીધી છે.

બીજી તરફ, BAPS દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે સંકલન સાધીને કરવામાં આવ્યું હતું, જેથી સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. મુલાકાત દરમિયાન કોઈપણ અન્ય પ્રવાસીને પ્રવેશ નકારવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના અમારા ધ્યાને આવી નથી. તેમ છતાં, આ પરિસ્થિતિને કારણે જેમને પણ અસુવિધા થઈ હોય તે તમામની અમે માફી માંગીએ છીએ.

પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે કામદારોની ચિંતાઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિ મુક્તપણે કામ કરવા અને હરવા-ફરવા માટે સક્ષમ હોવી જોઈએ.

ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, વિદેશી મુલાકાતીઓની માંગણીઓને પહોંચી વળવા માટે મહિલાઓને એક તરફ ખસી જવાનું કહેવામાં આવે તે હું સ્વીકારવાનો ઇનકાર કરું છું.