ફ્રાન્સના પેરિસમાં આવેલા એફિલ ટાવરને કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને કારણે થોડા સમય માટે બંધ રાખવાની ફરજ પડી હતી. BAPS સંગઠનના સંતો અને હરિભક્તોની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમની ફરજના સ્થળેથી હટાવી દેવાઈ હોવાના આરોપો બાદ સ્ટાફમાં ભારે રોષ ફેલાયો હતો.
યુનિયનના પ્રતિનિધિઓના જણાવ્યા અનુસાર, જ્યારે BAPSના પ્રતિનિધિમંડળ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓ ફરજ બજાવી શકે. આ ઘટનાથી કર્મચારીઓમાં આક્રોશ ફેલાયો અને સોમવારે સવારે તેમણે બેઠક બોલાવી, જેના કારણે એફિલ ટાવર સામાન્ય સમય કરતાં મોડો ખુલ્યો.
એફિલ ટાવરના ગેટ પર લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવાયું હતું કે, 'ઓપરેશનલ કારણોસર એફિલ ટાવર ખુલવામાં વિલંબ થયો છે.' યુનિયન પ્રતિનિધિ ડિયાન ડેવોઇને જણાવ્યું હતું કે આ મામલે મેનેજમેન્ટે સ્ટાફની માફી માંગી લીધી છે.
બીજી તરફ, BAPS દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી આ મુલાકાતનું આયોજન એફિલ ટાવરના મેનેજમેન્ટ સાથે સંકલન સાધીને કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન કોઈપણ અન્ય પ્રવાસીને પ્રવેશ નકારવામાં આવ્યો હોય તેવી કોઈ ઘટના અમારા ધ્યાને આવી નથી. તેમ છતાં, આ પરિસ્થિતિને કારણે જેમને પણ દુઃખ થયું હોય કે અસુવિધા થઈ હોય તે તમામની અમે માફી માંગીએ છીએ.
પેરિસના મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે કામદારોની ચિંતાઓ સંપૂર્ણપણે વ્યાજબી છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લિંગના ભેદભાવ વિના દરેક વ્યક્તિ મુક્તપણે કામ કરવા અને હરવા-ફરવા માટે સક્ષમ હોવી જોઈએ.
એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ કહ્યું હતું કે, BAPSએ "મહિલાઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયા મર્યાદિત રહે" તે રીતે મુલાકાત ગોઠવવાની વિનંતી કરી હતી. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના પ્રમુખ યાએલ બ્રૉન-પિવેટે પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વિદેશી મુલાકાતીઓની માંગણીઓને પહોંચી વળવા માટે મહિલાઓને એક તરફ ખસી જવાનું કહેવામાં આવે તે સ્વીકાર્ય નથી.