એક્ટ્રેસ પરિણીતિ ચોપરાએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કર્યો છે. ઝૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં પરિણીતિએ વર્ષ 2013ની ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના શૂટિંગ દરમિયાનની એક ભાવુક ઘટના શેર કરી.
પરિણીતિએ જણાવ્યું કે જ્યારે તેની પહેલી ફિલ્મ 'ઇશ્કઝાદે' માટે નેશનલ અવોર્ડ (સ્પેશિયલ મેન્શન)ની જાહેરાત થઈ, ત્યારે સુશાંત ખુશીથી સ્વિમિંગ પૂલની ખુરશીઓ પર ચઢીને બૂમો પાડવા લાગ્યો હતો. પરિણીતિએ સુશાંતને પોતાનો સાચો મિત્ર અને સૌથી મોટો ચીયરલીડર ગણાવ્યો.
પરિણીતિએ કહ્યું કે ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'ના શૂટિંગ દરમિયાન એક દિવસ કામમાંથી રજા હતી. તે સુશાંત અને દિવંગત અભિનેતા ઋષિ કપૂર સાથે હોટેલના સ્વિમિંગ પૂલ પાસે બેઠી હતી. ત્યારે પરિણીતિના ફોન પર ફિલ્મમેકર કરણ જોહરનો 'અભિનંદન' મેસેજ આવ્યો. પરિણીતિ સમજી શકી નહીં કે અભિનંદન શેના માટે છે, પરંતુ સુશાંત તરત જ તેનું કારણ જાણવામાં લાગી ગયો. જેવી ખબર પડી કે પરિણીતિને તેની ડેબ્યૂ ફિલ્મ 'ઇશ્કઝાદે' માટે નેશનલ અવોર્ડ મળ્યો છે, સુશાંત ખૂબ ખુશ થઈ ગયો.
તે પૂલ ડેકની ખુરશીઓ પર ચઢી ગયો અને જોરજોરથી બૂમો પાડવા લાગ્યો કે 'હું નેશનલ અવોર્ડ વિજેતા સાથે કામ કરી રહ્યો છું.' પરિણીતિ રડવા લાગી અને સુશાંતે તેને ગળે લગાવી લીધી. આ જોઈને ઋષિ કપૂરે હસતાં-હસતાં બંનેને કહ્યું હતું કે, 'તમે બંને પાગલ થઈ ગયા છો.'
પોતાની બોન્ડિંગ વિશે વાત કરતાં પરિણીતીએ જણાવ્યું કે સુશાંત માત્ર તેનો કો-સ્ટાર જ નહોતો, પરંતુ એક ખૂબ સારો મિત્ર પણ હતો. ફિલ્મોમાં આવતા પહેલાં પરિણીતિ બેન્કર હતી, જ્યારે સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ-લેખનના બેકગ્રાઉન્ડ હોવાને કારણે બંને સેટ પર ફિલ્મો ઉપરાંત ઇકોનોમિક્સ, સ્ટાર્સ અને સાયન્સ જેવા ગંભીર વિષયો પર ઘણી વાતો કરતા હતા. પરિણીતીએ કહ્યું કે બંને એકબીજાની વિચારસરણીને ખૂબ સારી રીતે સમજતા હતા. તેઓ હોમી અદજાનિયાના ડિરેક્શનમાં વધુ એક ફિલ્મ સાથે કરવાના હતા, પરંતુ તે પ્રોજેક્ટ બની શક્યો નહીં.
'શુદ્ધ દેશી રોમાન્સ' લિવ-ઇન રિલેશનશિપ અને લગ્નના ડર પર આધારિત ફિલ્મ હતી. 2013માં રિલીઝ થયેલી આ ફિલ્મ મનીષ શર્માના ડિરેક્શન અને આદિત્ય ચોપરાના નિર્માણમાં બની હતી. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ભારતમાં સફળ રહી હતી અને વર્ષ 2013ના ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF)માં પણ દર્શાવવામાં આવી હતી.
સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરે રહસ્યમય રીતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રથમ નજરે આ મામલો આત્મહત્યાનો લાગ્યો હતો, પરંતુ બાદમાં પરિવારની ફરિયાદ, મીડિયા અને વિપક્ષી દળોના દબાણને કારણે મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ 6 ઑગસ્ટ 2020ના રોજ FIR નોંધાવી હતી. 4 વર્ષ 6 મહિના 15 દિવસ બાદ CBIએ માર્ચ 2025માં અંતિમ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં જણાવાયું કે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રિયા ચક્રવર્તી અને અન્ય લોકોને કેસમાં ક્લીનચિટ આપવામાં આવી.