સત્ય. સાહસ. સંકલ્પ.

નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકર 23 ઑક્ટોબરે વિરોધ પ્રદર્શનમાં જોડાશે

નિર્મલા સીતારામનના પતિ પરકલા પ્રભાકર 23 ઑક્ટોબરે વિરોધ પ્રદર્શનમાં જોડાશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર આગામી 23 ઑક્ટોબરે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ પ્રદર્શન 'પીપલ અગેઇન્સ્ટ SIR' ગઠબંધન દ્વારા SIR પ્રક્રિયાના વિરોધમાં યોજાઈ રહ્યું છે. તેમાં તેઓ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે અને જાણીતા અભિનેતા-કાર્યકર્તા પ્રકાશ રાજ સાથે એક જ મંચ પર જોવા મળશે.

પરકલા પ્રભાકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લોકોને આ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. તેમણે લખ્યું, “હર ગલી મેં જંતર-મંતર! શુક્રવાર, 23 ઑક્ટોબર-2026. લોકશાહીની પુનઃસ્થાપના માટે જન માર્ચ. આવો, આપણે સૌ આ પડકારનો સામનો કરીએ.”

આ પ્રદર્શનમાં AISAના અધ્યક્ષ નેહા બોરા, CJPના સ્થાપક અભિજિત દીપકે સહિત દેશભરના અનેક સામાજિક કાર્યકરો અને જાણીતી હસ્તીઓ જોડાશે. અગાઉ 8 ઑક્ટોબરે બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં યુટ્યુબર ધ્રુવ રાઠી અને પ્રકાશ રાજ સાથે પણ પ્રભાકરે CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, 14 ઑક્ટોબરે દેશભરમાં 'પીપલ અગેઇન્સ્ટ SIR' નામના નવા ગઠબંધનની રચના કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિતો, આદિવાસીઓ અને લઘુમતી સમુદાયોના સંગઠનો એકઠા થયા છે. આ ગઠબંધને આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાના કારણે દેશભરમાંથી મોટી સંખ્યામાં યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવ્યા છે, જેમાં મોટાભાગે વંચિત અને નબળા વર્ગના લોકોનો સમાવેશ થાય છે. હવે પરકલા પ્રભાકર, અભિજિત દીપકે અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજોના જોડાવાથી આ આંદોલન રાષ્ટ્રીય સ્તરે વધુ વેગ પકડે તેવી શક્યતા છે.

પરકલા પ્રભાકર આંધ્રપ્રદેશના નરસપુરમમાં જન્મ્યા હતા. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અભ્યાસ દરમિયાન તેમની મુલાકાત નિર્મલા સીતારામન સાથે થઈ હતી. બંનેની રાજકીય વિચારધારાઓ એકબીજાથી તદ્દન અલગ હોવા છતાં તેમણે વર્ષ 1986માં લગ્ન કર્યા હતા. નિર્મલા સીતારામન લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં, પ્રભાકર સત્તાધારી પક્ષની નીતિઓના કટ્ટર ટીકાકાર રહ્યા છે. તેમણે પોતાના પુસ્તક 'ધ ક્રૂક્ડ ટિમ્બર ઓફ ન્યૂ ઇન્ડિયા'માં નોટબંધી જેવા સરકારી નિર્ણયોની આકરી ટીકા કરી હતી તેમજ દેશમાં વધતી બેરોજગારી અને લોકશાહી સંસ્થાઓના નબળા પડવા અંગે સવાલો ઉઠાવ્યા હતા.

પરકલા પ્રભાકરની રાજકીય સફર પણ ચર્ચાસ્પદ રહી છે. તેમની રાજકીય ઇનિંગ વર્ષ 2009માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ અભિનેતા ચિરંજીવી દ્વારા રચાયેલી 'પ્રજા રાજ્યમ પાર્ટી'માં જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 2014થી 2018 સુધી તેમણે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વ હેઠળની આંધ્રપ્રદેશ સરકારમાં કમ્યુનિકેશન એડવાઈઝર તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. જોકે, એપ્રિલ 2018માં TDPએ NDA સાથે છેડો ફાડ્યો તે પછી વિપક્ષે આક્ષેપો કર્યા કે તેમના પરિવારના સભ્ય (નિર્મલા સીતારામન) કેન્દ્રમાં હોવાથી રાજ્યના હિતો જોખમાઈ શકે છે, જેના પગલે તેમણે અચાનક પદ પરથી રાજીનામું આપી દીધું હતું.