પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને સેનેટે સર્વાનુમતે મહાભિયોગ ચલાવીને પદ પરથી હટાવી દીધા છે. ઉએનો બૅન્કના પતન અને નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા આ કૌભાંડમાં આશરે 30 લાખ લોકોના પૈસા ફસાયા છે. સત્તા છીનવાયાના થોડાક કલાકોમાં જ પ્રોસિક્યુટર્સે તેમની સામે ધરપકડનું વોરંટ બહાર પાડ્યું છે.
સમગ્ર મામલો શું છે?
પેરાગ્વેમાં ઉએનો બૅન્ક નામની ખાનગી ડિજિટલ બૅન્ક અચાનક ડૂબી ગઈ, જેના કારણે લાખો સામાન્ય લોકોના ખાતાં બ્લોક થઈ ગયાં. તપાસમાં બહાર આવ્યું કે રાષ્ટ્રપતિ પેના પહેલાં આ જ બૅન્કમાં શેરહોલ્ડર હતા. તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બૅન્કના એક પૂર્વ અધિકારીને કેન્દ્રીય બૅન્ક એટલે કે બૅન્કિંગ રેગ્યુલેટરના વડા બનાવ્યા હોવાનો આરોપ છે.
આ ઉપરાંત નિયમોને બાજુએ રાખીને સરકારી પેન્શન ફંડના 35.5 કરોડ ડૉલર આ ખાનગી બૅન્કમાં જમા કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. બૅન્કનું સંકટ ઘેરું બન્યું અને લોકો વિરોધ પર ઉતરી આવ્યા ત્યારે પેનાએ રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સેનેટે તે ફગાવી દીધું.
સેનેટમાં 44-0થી મતદાન
મહાભિયોગની કાર્યવાહી વખતે ઉપસ્થિત તમામ 44 સેનેટરોએ પેનાને પદ પરથી હટાવવાની તરફેણમાં એકમતથી મતદાન કર્યું. પેનાએ બચાવ તૈયાર કરવા વધુ સમયની માગણી કરી હતી અને કહ્યું હતું કે તેમને આરોપોનું દસ્તાવેજ ગુરુવારે મોડી રાત્રે જ મળ્યું હતું. સેનેટે આ દલીલ ફગાવી દીધી અને નોંધ્યું કે પેના પોતે બચાવ રજૂ કરવા નિર્ધારિત સમયે હાજર રહ્યા નહોતા. મહાભિયોગ સાથે તેમની આજીવન ઈમ્યુનિટી રદ કરવામાં આવી અને તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા.
ધરપકડનું વોરંટ અને આરોપો
સ્થાનિક અખબાર એબીસી કલરના અહેવાલ મુજબ, કૌભાંડની તપાસ કરી રહેલી ચાર પ્રોસિક્યુટર્સની ટીમે પેના સામે વિશ્વાસઘાત સહિતના ગુનાઓ હેઠળ ધરપકડનો આદેશ આપ્યો છે. આ આદેશ અમલમાં મૂકવા નેશનલ પોલીસને મોકલી દેવાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, પેના પર ખાનગી બૅન્ક સાથે હિતોના ટકરાવ, નિયમોમાં ગોટાળા અને સરકારી પેન્શન ફંડના દુરુપયોગ જેવા ગંભીર આરોપ છે.
નવા રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ઉએનો બૅન્કમાં સરકારી હસ્તક્ષેપ બાદ શરૂઆતના તબક્કામાં લાખો ગ્રાહકો પોતાના ખાતામાંથી નાણાં ઉપાડી શક્યા નહોતા, જેના કારણે દેશમાં બૅન્કિંગ વ્યવસ્થા પર ભરોસાનો પ્રશ્ન ઊભો થયો છે.