દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં ડિજિટલ બેંક યુએનો (Ueno Bank) ને કારણે ઊભા થયેલા નાણાકીય સંકટે રાજકીય સંકટનું રૂપ લીધું છે. આ બેંક ડૂબી જતાં લાખો લોકોની બચત ફસાઈ ગઈ છે. આ ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને મહાભિયોગની કાર્યવાહી દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે. શુક્રવારે સંસદમાં તેમની વિરુદ્ધનો પ્રસ્તાવ પસાર થયાની થોડી જ મિનિટોમાં તેમની ધરપકડ કરીને નજરકેદ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તેમને પદ પરથી હટાવવાના પક્ષમાં તેમની પોતાની પાર્ટીના સાંસદોએ પણ મતદાન કર્યું હતું. પેના પર હિતોના ટકરાવ, નિયમનકારી વ્યવસ્થામાં દખલગીરી, પેન્શન ફંડની રકમનો દુરુપયોગ અને કેન્દ્રીય બેંક સાથે જોડાયેલા મામલામાં સંસ્થાકીય સ્તરે હકીકતો છુપાવવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જોકે, પેનાએ પોતાની સામેના તમામ ગેરરીતિના આરોપોને નકારી કાઢ્યા છે.
બીબીસીના અહેવાલ મુજબ, પેનાએ ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી, પરંતુ સાંસદોએ તેમનું રાજીનામું સ્વીકારવાને બદલે મહાભિયોગની કાર્યવાહી કરીને તેમને ગેરવર્તણૂકના દોષિત ઠેરવવાનો માર્ગ પસંદ કર્યો હતો. આના પરિણામે તેમને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવાની સાથે પૂર્વ રાષ્ટ્રપતિને મળતી કાનૂની છૂટ અને આજીવન સેનેટ સભ્યપદ પણ ગુમાવવું પડ્યું છે.
હવે શનિવારે તેમની સામે દેશદ્રોહ, સત્તાનો દુરુપયોગ અને સરકારી નાણાંના દુરુપયોગ જેવા આરોપો અંગે પૂછપરછ થવાની છે. આ માહિતી સરકારી અભિયોજક સિલ્વિયા માર્ગરિટા ગોન્ઝાલેઝ વેસ્ટરે આપી હતી.
યુએનો બેંક બંધ થવાથી પેરાગ્વેની અડધાથી વધુ વસ્તી પ્રભાવિત થઈ છે. દેશની કેન્દ્રીય બેંકે આ ડિજિટલ બેંકને પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી. ત્યારબાદ આશરે 30 લાખ થાપણદારો પોતાની બચત અને પેન્શનની રકમ ઉપાડી શકતા નથી. આ નાણાકીય સંકટના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે. રાજધાની અસુન્સિયોનમાં સૌથી વધુ વિરોધ જોવા મળી રહ્યો છે.
આરોપ છે કે પેનાએ પોતાના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને સરકારી નાણાં યુએનો બેંક સુધી પહોંચાડ્યાં હતાં. તેના બદલામાં નિયમનકારી સંસ્થાઓએ બેંકની શંકાસ્પદ ધિરાણ પ્રક્રિયાઓ અને તેના માલિકો સાથે જોડાયેલી કંપનીઓના નાણાકીય વ્યવહારો સામે આંખ આડા કાન કર્યા હતા.
મહાભિયોગની કાર્યવાહીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજ્યના પેન્શન ફંડે યુએનો બેંકમાં આશરે 355 મિલિયન ડોલર (35.5 કરોડ ડોલર) જમા કરાવ્યા હતા, જે કાયદા હેઠળ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતા.