મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક, ઘાટકોપર પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય પરાગ શાહે એક દિવસ ભિખારી તરીકે જીવન વિતાવ્યું હતું. તેમની સંપત્તિ આશરે 3,400 કરોડ રૂપિયા આંકવામાં આવે છે. આ અનુભવ તેમણે જૈન ચાતુર્માસ દરમિયાન તેમના ગુરુ નમ્રમુનિની સલાહ પર કર્યો હતો.
અહેવાલો અનુસાર, ગુરુએ તેમને સમાજના એક વંચિત વર્ગની પરિસ્થિતિ નજીકથી સમજવા માટે એક દિવસ ભિખારીનું જીવન જીવવાની સલાહ આપી હતી. તે અનુસાર, પરાગ શાહે પોતાની નિયમિત સુરક્ષા અને સંસાધનોથી દૂર રહીને મેકઅપની મદદથી ભિખારીનો વેશ ધારણ કર્યો હતો.
આ દિવસ દરમિયાન તેમણે ઘાટકોપર રેલવે સ્ટેશન પરિસર સહિત વિવિધ જાહેર સ્થળોએ જઈને લોકો સાથે વાતચીત કરી અને ભોજન માટે ભિક્ષા માંગી. તેમના વેશને કારણે લોકો તેમને ઓળખી શક્યા નહોતા. બાદમાં તેમણે સાચી ઓળખ જાહેર કરી અને કેટલાક સ્થળોએ ફરી મુલાકાત લઈને લોકો સાથે પોતાનો અનુભવ વહેંચ્યો હતો.
પરાગ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અનુભવનો વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે લખ્યું છે કે, પરમ પૂજ્ય રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે તેમના પ્રવચનમાં સમાજના જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલતા, કરુણા અને માનવતાનો સંદેશ આપ્યો હતો. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરતાં વેશભૂષા બદલીને ઘાટકોપર રેલવે સ્ટેશન પરિસરમાં આમ જનતાની વચ્ચે જઈને આ અનુભવ મેળવ્યો.
આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કેટલાક લોકો તેને સામાજિક સંવેદનશીલતા જગાવતો પ્રયોગ ગણાવે છે, તો કેટલાક તેને પ્રચાર તરીકે જુએ છે. જો કે, ધારાસભ્ય તરફથી આને વ્યક્તિગત અને ધાર્મિક અનુભવ ગણાવવામાં આવ્યો છે, જેનો હેતુ સમાજના એક વર્ગની જીવનશૈલી અને મુશ્કેલીઓને સમજવાનો હતો.