જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ રહેલી પેરા એશિયન ગેમ્સ 2026માં ભારતના રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. મેન્સ જેવલિન થ્રો F46 ઇવેન્ટમાં ભારતના રિંકુ હુડાએ ગોલ્ડ અને અજીત સિંહ યાદવે સિલ્વર મેડલ જીતીને દેશને 1-2 ફિનિશ અપાવ્યું છે.
રિંકુ હુડાએ પોતાના શ્રેષ્ઠ થ્રો સાથે 65.11 મીટરનું અંતર કાપીને ગોલ્ડ મેડલ જીત્યો. તેમના સાથી અજીત સિંહ યાદવે 65.02 મીટરનો થ્રો ફેંકીને સિલ્વર મેડલ મેળવ્યો. બંને ખેલાડીઓ વચ્ચે ગોલ્ડ મેડલ માટે માત્ર 9 સેન્ટિમીટરનો ફરક રહ્યો હતો. ઇન્ડોનેશિયાના સક્ત્યોનો આર એ 55.30 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો.
2022ની એશિયન પેરા ગેમ્સમાં પણ ભારતે આ જ ઇવેન્ટમાં ત્રણેય મેડલ જીત્યા હતા. તે વખતે સુંદર સિંહ ગુર્જરે 68.60 મીટરના વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ, રિંકુએ 67.08 મીટર સાથે સિલ્વર અને અજીત સિંહે 63.52 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પહેલાં બે વખતના પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા નિષાદ કુમારે મેન્સ T47 લોંગ જમ્પમાં 7.11 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. મુખ્યત્વે હાઈ જમ્પના ખેલાડી રહેલા નિષાદ માટે આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલી સ્પર્ધા હતી. આ સાથે પેરા ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો.
સ્વિમિંગમાં પણ ભારત માટે સારા સમાચાર આવ્યા. રવિ કાર્તિક બુડિગીને મેન્સ 100 મીટર ફ્રી સ્ટાઇલ S13 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને ભારતના મેડલની સંખ્યામાં વધારો કર્યો.
મહિલા એથ્લેટ્સે પણ ટ્રેક પર પોતાનું દબદબો દાખવ્યું છે. મહિલાઓની 1500 મીટર T12/T13 ઇવેન્ટમાં સૌમ્યાએ ગોલ્ડ અને રાધા વેંકટેશે સિલ્વર મેડલ જીતીને ભારત માટે 1-2 ફિનિશ નક્કી કર્યું. સૌમ્યાએ આ અંતર 5 મિનિટ 12.39 સેકન્ડમાં પૂરું કર્યું, જ્યારે રાધાએ 5 મિનિટ 30.90 સેકન્ડનો સમય લીધો. જાપાનની માના સાસાકી ત્રીજા ક્રમે રહીને બ્રોન્ઝ મેડલ જીતી.
T12 અને T13 ઇવેન્ટ દૃષ્ટિહીન કે દૃષ્ટિની ક્ષતિ ધરાવતા ખેલાડીઓ માટે હોય છે, તેથી આ બંને રમતવીરોએ તેમના માર્ગદર્શક સાથે સ્પર્ધા પૂરી કરી. સૌમ્યા તેમના માર્ગદર્શક કુમાર ભરત સાથે દોડ્યા, જ્યારે રાધાને ગોવિંદ સોલંકી માર્ગદર્શન આપતા હતા.
પેરા એથ્લેટિક્સમાં T11 થી T13 સુધીની ઇવેન્ટ દૃષ્ટિની ક્ષતિ ધરાવતા રમતવીરો માટે રાખવામાં આવે છે. વર્ગીકરણ ખેલાડીની દૃષ્ટિની ગંભીરતાના આધારે થાય છે. T11 કેટેગરી સંપૂર્ણ કે લગભગ સંપૂર્ણ અંધત્વ ધરાવતા રમતવીરો માટે છે, T13 કેટેગરીમાં સૌથી હળવી દૃષ્ટિની ક્ષતિ ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે અને T12 કેટેગરીમાં મધ્યમ સ્તરની દૃષ્ટિની ક્ષતિ ધરાવતા એથ્લેટ્સ ભાગ લે છે.