સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠાના દાંતીવાડામાં વૃદ્ધે પેટ્રોલ છાંટી આગ લગાવી, સળગતી હાલતમાં હોસ્પિટલમાં ઘૂસ્યા

બનાસકાંઠાના દાંતીવાડામાં વૃદ્ધે પેટ્રોલ છાંટી આગ લગાવી, સળગતી હાલતમાં હોસ્પિટલમાં ઘૂસ્યા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે આજે બપોરે 65 વર્ષીય એક વૃદ્ધે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આગ લાગ્યા બાદ તેઓ સળગતી હાલતમાં જ સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) પાંથાવાડા પહોંચી ગયા હતા.

વૃદ્ધને આ હાલતમાં જોઈને હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાની તસવીરોમાં વૃદ્ધ તડફડીયા મારી રહ્યા હોવાનું અને સળગતી હાલતમાં જમીન પર ઢળી પડ્યા હોવાનું જોવા મળ્યું હતું.

હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ ગઢવીએ જણાવ્યું કે, આગ લાગેલી હાલતમાં એક વ્યક્તિ દવાખાનામાં ઘૂસી આવ્યો હતો. અમે તરત ઘટનાસ્થળે પહોંચી સ્ટાફની મદદથી આગ કાબૂમાં લીધી અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ વ્યક્તિનું નામ દેવેન્દ્ર વાણિયા હોવાનું અને તે પાંથાવાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પાંથાવાડા પોલીસના જણાવ્યા અનુસાર, દેવેન્દ્રભાઈ લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. સંભવતઃ આ બીમારીથી કંટાળીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન છે.

ઘટનાને પગલે હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે પાંથાવાડા પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. વૃદ્ધની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તે હાલ સારવાર હેઠળ છે.