સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મદિવસ દર વર્ષે 19 ઓક્ટોબરે 'મનુષ્ય ગૌરવ દિન' તરીકે ઉજવાય છે. સ્વાધ્યાયીઓ તેમને પ્રેમથી 'દાદા' કહે છે. મરાઠીમાં દાદાનો અર્થ મોટા ભાઈ થાય છે.
પાંડુરંગ શાસ્ત્રીનો જન્મ 19 ઓક્ટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના રોહા ગામે થયો હતો. તેમના પિતા વૈજનાથ શાસ્ત્રી આઠવલે અને માતા પાર્વતીબાઈ હતા. પરિવાર ધાર્મિક ગ્રંથો અને સંસ્કૃત ભાષાના અભ્યાસ સાથે જોડાયેલો હતો. બાળપણથી જ તેમને વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ હતો. તેમનું શિક્ષણ પરંપરાગત ગુરુકુળ પદ્ધતિમાં થયું હતું.
તેમણે 1942માં પિતાએ સ્થાપેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠશાળામાં ગીતા પર પ્રવચન આપવાનું શરૂ કર્યું. યુવાનીમાં જ તેઓ ગીતા અને ભારતીય તત્ત્વજ્ઞાનના વક્તા તરીકે જાણીતા થયા.
વર્ષ 1954 તેમના જીવનનો મહત્ત્વનો વળાંક હતો. તે વર્ષે તેઓ જાપાનના ટોક્યોમાં યોજાયેલી વિશ્વ તત્ત્વજ્ઞાન પરિષદમાં ગયા હતા અને ત્યાં ભારતીય વૈદિક પરંપરા તથા ગીતાના વિચારો રજૂ કર્યા હતા. ભારત પાછા ફર્યા બાદ તેમણે કેવળ પ્રવચનો પૂરતું ન રહેતાં લોકોના જીવનમાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ રીતે સ્વાધ્યાય કાર્યને સંગઠિત સ્વરૂપ મળ્યું.
તેમણે ગીતા, ઉપનિષદ અને ભારતીય દર્શનના વિચારોને ધાર્મિક ગ્રંથો સુધી સીમિત ન રાખતાં સામાન્ય માનવીના રોજિંદા જીવન સાથે જોડ્યા. સમાનતા, આત્મસન્માન, પરસ્પર પ્રેમ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના આધારે સમાજમાં પરિવર્તન લાવવાનો માર્ગ તેમણે અપનાવ્યો. સ્વાધ્યાય પરિવાર દ્વારા ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં લોકોમાં આત્મચિંતન, સામૂહિક જવાબદારી અને નિઃસ્વાર્થ સેવા માટે પ્રેરણા જગાવી.
મનુષ્ય ગૌરવ દિન વિશે દાદાજીનું માનવું હતું કે માણસની કિંમત તેની પાસેના પૈસા કે ભૌતિક સંપત્તિથી નહીં, પણ એક મનુષ્ય તરીકેની તેની શક્તિથી થાય છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના શ્લોક 'સર્વસ્ય ચાહં હૃદિ સંનિવિષ્ટો' અર્થાત્ 'હું દરેક હૃદયમાં બિરાજમાન છું' ટાંકીને તેમણે કહ્યું હતું કે દરેક મનુષ્યને પોતાના હૃદયમાં ભગવાનની ઉપસ્થિતિનું અને મળેલા મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વિચાર સમજાવવા માટે જ તેમના જન્મદિવસે મનુષ્ય ગૌરવ દિન ઉજવાય છે. આ અવસરે ભક્તિફેરીનું પણ આયોજન થાય છે.
પાંડુરંગ શાસ્ત્રીને તેમના કાર્ય બદલ ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા હતા. તેમને 1988માં મહાત્મા ગાંધી એવોર્ડ, 1997માં ટેમ્પલટન એવોર્ડ અને 1999માં રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો હતો.
25 ઓક્ટોબર 2003ના રોજમુંબઈમાં તેમનું અવસાન થયું, પરંતુ તેમણે શરૂ કરેલું કાર્ય આજે વટવૃક્ષ સમાન બન્યું છે. તેમના વિચારો આજે પણ લાખો લોકોના હૃદયમાં જીવંત છે. લાખો સ્વાધ્યાયી પોતાનો સમય અને સાધન લઈને લોકો સુધી પહોંચે છે અને તેમનામાં આત્મસન્માનની ભાવના જગાવે છે.