પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રેમસંબંધની શંકાને કારણે 20 વર્ષીય યુવક મહેશ પુનાભાઈ રાઠોડનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મહેશ રાઠોડ મંડપના કામે જવા નીકળ્યો હતો ત્યારે કેટલાક શખ્સોએ તેને રોકીને "તું અમારી બહેન સાથે વાતચીત કરે છે" એમ કહીને બાઈક પર બેસાડીને અપહરણ કર્યું હતું. બાદમાં લાકડી વડે માર મારવામાં આવતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હાલતમાં મહેશને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેની સ્થિતિ વધુ બગડતાં તેને ગોધરા, વડોદરા થઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
આ સંબંધમાં મૃતકના ભાઈ દિનેશે શહેરા પોલીસ સ્ટેશનમાં 7 શખ્સો સામે અપહરણ અને હત્યાની ફરિયાદ નોંધાવી છે. પંચમહાલ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અંદરસિંહ ભારતસિંહ પટેલ, દિલીપકુમાર અંદરસિંહ પટેલ, દિવ્યેશભાઈ ગણપતસિંહ પટેલ, શૈલેશભાઈ ફતેહસિંહ પટેલ, રમેશભાઈ ઉર્ફે મંગળભાઈ પ્રભાતભાઈ અને હિતેશકુમાર રમેશભાઈ ઉર્ફે મંગળભાઈનો સમાવેશ થાય છે. જ્યારે અલ્પેશભાઈ અંદરસિંહ પટેલ ફરાર છે, જેની શોધખોળ માટે પોલીસ ચક્રો ગતિમાન કરી રહી છે.
પંચમહાલના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, મૃતક મહેશ તેના જ ગામની યુવતી સાથે વાતચીત કરતો હોવાની અદાવત રાખીને આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.