પંચમહાલ જિલ્લા લેન્ડ રેકોર્ડઝ કચેરીના વર્ગ-3 કર્મચારીઓ 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. ગ્રેડ-પે વધારવા સહિતની માંગણીઓ ન સંતોષાતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સાત દિવસથી કચેરીની કામગીરી ઠપ્પ થતાં અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે.
ગુજરાત રાજ્ય વર્ગ-3 લેન્ડ રેકોર્ડ કર્મચારી મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલું આ આંદોલન હવે વધુ તીવ્ર બન્યું છે. પંચમહાલ જિલ્લા લેન્ડ રેકોર્ડઝ કચેરીના વર્ગ-3 કર્મચારીઓ પણ 21 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં વિભાગને લગતી સરકારી કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. હડતાળના સાત દિવસ વીતી જવા છતાં શાસન કે પ્રશાસન તરફથી કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
શું છે મુખ્ય માંગ?
લેન્ડ રેકોર્ડઝ વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ-પેને લગતી છે. જેમાં સીનિયર સર્વેયરનો ગ્રેડ-પે રૂ. 2800 થી વધારીને રૂ. 4400 કરવા તથા સર્વેયરનો ગ્રેડ-પે રૂ. 2400 થી વધારીને રૂ. 2800 કરવાની માંગણી મુખ્ય છે. આ અંગે મુખ્યમંત્રી કક્ષાએથી 30 ડિસેમ્બર 2025ના રોજ સૈદ્ધાંતિક મંજૂરી મળી ચૂકી હોવા છતાં, નાણા વિભાગ દ્વારા વારંવાર ફાઈલ નકારી દેવામાં આવતી હોવાનો કર્મચારીઓએ દાવો કર્યો છે. નાણા વિભાગના આ અડિયલ વલણ સામે વિરોધ દર્શાવવા કર્મચારી મંડળે કામગીરીથી અળગા રહી હડતાળનો માર્ગ અપનાવ્યો છે.
હવે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
હડતાળ દરમિયાન દૈનિક સરકારી અને જાહેર સેવાઓની કામગીરી બંધ છે, પરંતુ કર્મચારીઓએ કચેરી પરિસરમાં જ 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સવારે 8:30 થી 9:00 વાગ્યાની આસપાસ તમામ કર્મચારીઓ એકત્ર થઈ કચેરી પરિસરની સફાઈ કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત, આંદોલનના ભાગરૂપે આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનું પણ કર્મચારી મંડળે નક્કી કર્યું છે.
અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે
હડતાળને કારણે જમીન માપણી, નામાંતર, સનદ અને જમીન મહેસૂલને લગતી અગત્યની કામગીરીઓ અટકી પડી છે, જેનાથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કર્મચારી મંડળના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યાં સુધી નાણા વિભાગ દ્વારા તેમની ન્યાયી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન અને અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે.