સત્ય. સાહસ. સંકલ્પ.

પંચાયત સીઝન 5: 3 ડિસેમ્બરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ, બનરાકસ બન્યા નવા મુખી

પંચાયત સીઝન 5: 3 ડિસેમ્બરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ, બનરાકસ બન્યા નવા મુખી

લોકપ્રિય વેબ સિરીઝ ‘પંચાયત’ની પાંચમી સીઝન 3 ડિસેમ્બર, 2026ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ જાહેરાતથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ચાહકોમાં ખુશીની લહેર છે. સિરીઝનું પ્રીમિયર ભારત સહિત વિશ્વના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં કરવામાં આવશે.

નવી સીઝનમાં ફુલેરા ગામની રાજનીતિમાં નવો વળાંક આવશે. ગામમાં સત્તા પરિવર્તન બાદ બનરાકસ એટલે કે દુર્ગેશ કુમાર હવે નવા મુખી તરીકે જોવા મળશે. ત્યારે સવાલ એ છે કે મુખી બન્યા બાદ બનરાકસ ગામના વિકાસ માટે શું પગલાં લેશે? શું તે ફુલેરાની તસવીર બદલી શકશે કે તેમના વાયદા માત્ર વાતો પુરવાર થશે? સત્તા બદલાયા બાદ ગામમાં નવી રાજકીય ખેંચતાણ, બદલાતા સંબંધો, હળવી રમૂજ અને ભાવનાત્મક પ્રસંગો જોવા મળે તેવી શક્યતા છે.

ધ વાયરલ ફીવરના બેનર હેઠળ બનેલી આ સિરીઝનું દિગ્દર્શન ફરી એકવાર દીપક કુમાર મિશ્રાએ કર્યું છે. જ્યારે દીપક કુમાર મિશ્રા, ચંદન કુમાર અને અરુણાભ કુમારે તેનું નિર્માણ કર્યું છે. નવી સીઝનમાં જીતેન્દ્ર કુમાર, રઘુબીર યાદવ, નીના ગુપ્તા, સુનિતા રાજવાર, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર અને અશોક પાઠક સહિતના કલાકારો ફરી એકવાર તેમની લોકપ્રિય ભૂમિકાઓમાં જોવા મળશે.

અભિનેતા ફૈઝલ મલિક આ સીઝનમાં ફરી એકવાર ‘પ્રહલાદ ચા’ તરીકે દર્શકોનું મનોરંજન કરશે. તાજેતરમાં તેઓ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં કુંભકર્ણની ભૂમિકા માટે ચર્ચામાં રહ્યા હતા. હવે દર્શકો તેમને ફરી ‘પ્રહલાદ ચા’ના સાદગીભર્યા અંદાજમાં જોવા માટે ઉત્સુક છે.

‘પંચાયત’ તેની સાદગી, ગામડાની જીવનશૈલી અને રોજિંદા જીવન સાથે જોડાયેલી નાની-નાની ઘટનાઓને કારણે અલગ ઓળખ ધરાવે છે. આ સિરીઝમાં ક્યારેક રમૂજી પ્રસંગો દર્શકોને હસાવે છે, તો ક્યારેક ભાવનાત્મક દૃશ્યો આંખોમાં આંસુ લાવી દે છે. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી આ સિરીઝને દર્શકો તરફથી સતત પ્રેમ મળ્યો છે. તેની રસપ્રદ વાર્તા અને યાદગાર પાત્રોના કારણે ‘પંચાયત’ પાંચમી સીઝન સુધી પહોંચી છે.

હવે 3 ડિસેમ્બરે સેક્રેટરી જી અને ફુલેરાના રહેવાસીઓની નવી સફર શરૂ થશે. ત્યારે જોવાનું એ રહેશે કે નવા મુખી બનરાકસના આગમનથી ફુલેરામાં ખરેખર પરિવર્તન આવશે કે નહીં.