મધ્ય અમેરિકન દેશ પનામામાં શુક્રવારે સવારે 7.7 અને 6.6ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકાને કારણે ઘણી ઈમારતો ધરાશાયી થઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
અમેરિકન ભૂવિજ્ઞાનીઓના સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ હેરેરા પ્રાંતમાં આવેલા પિતાલોસા અરીબા ગામથી લગભગ 10 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં, જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. શરૂઆતમાં તીવ્રતા 8 આંકવામાં આવી હતી, જે પછી ઘટાડીને 7.7 કરવામાં આવી.
પ્રથમ મુખ્ય ભૂકંપ બાદ પણ ધરતી શાંત ન થઈ. યુનિવર્સિટીના ભૂકંપ વૈજ્ઞાનિકોએ 5.8, 5.5 અને 5.2ની તીવ્રતા સહિત 45થી વધુ આફ્ટરશૉક નોંધ્યા છે, જેના કારણે લોકોમાં સતત ડર બની રહ્યો છે.
આંચકાની ધ્રુજારી પાટનગર પનામા સિટી સુધી અનુભવાઈ હતી. ધરતી ધ્રૂજતાં લોકો જીવ બચાવવા માટે ઘરો અને ઊંચી ઈમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા.
હેરેરા પ્રાંતના 60 વર્ષીય રહેવાસી રોસેન્ડો ડોમિંગેઝે જણાવ્યું હતું કે, "આંચકા એટલા શક્તિશાળી હતા કે ઘરની રસોઈમાં રાખેલો બધો સામાન નીચે પટકાઈને વિખેરાઈ ગયો. અમારો પરિવાર સુરક્ષિત બચી ગયો, પણ આ આંચકાએ બધાના હૈયાં હચમચાવી દીધાં છે."