સત્ય. સાહસ. સંકલ્પ.

પનામા કેનાલમાં પાણીની અછત: દૈનિક જહાજોની સંખ્યા 32થી ઘટીને 27 થવાની આશંકા

પનામા કેનાલમાં પાણીની અછત: દૈનિક જહાજોની સંખ્યા 32થી ઘટીને 27 થવાની આશંકા

વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંના એક પનામા કેનાલમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. કેનાલ ઑથોરિટીના વહીવટકર્તા ઇલ્યા એસ્પિનો ડે મારોટાએ ચેતવણી આપી છે કે, આગામી મહિનાઓમાં કેનાલમાંથી દરરોજ પસાર થતાં જહાજોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે. હાલમાં દરરોજ 32 જહાજો પસાર થાય છે, જે ઘટીને 27 થઈ શકે છે.

આ ઘટાડો વર્ષ 1997ના સૌથી સૂકા વર્ષના આધારે કરાયેલા મોડેલિંગ પર આધારિત છે. પનામા કેનાલ એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરને જોડતો 82 કિલોમીટર લાંબો માનવસર્જિત જળમાર્ગ છે, જે વૈશ્વિક વેપારના 3 ટકાથી વધુ હિસ્સાનું વહન કરે છે. વરસાદ ઓછો થવાને કારણે પાણીનું સ્તર જાળવી રાખવા આ પગલાં લેવાં પડી રહ્યાં છે.

આ સ્થિતિની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન અને અર્થતંત્ર પર પડશે. પહેલેથી જ યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની અને બાબ અલ-મંદેબ જેવા દરિયાઈ માર્ગો પર દબાણ છે. પનામા કેનાલમાં જહાજોની અવરજવર ઘટવાથી માલસામાનના પરિવહનનો ખર્ચ વધશે અને ડિલિવરીમાં વિલંબ થશે.

નિષ્ણાતોના મતે, આબોહવા પરિવર્તનને કારણે હવે દર ત્રણ વર્ષે આવી સ્થિતિ સર્જાઈ રહી છે. પનામા કેનાલનો ઇતિહાસ જોઈએ તો, ફ્રાન્સ દ્વારા 1881માં શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે અટકી ગયો હતો. બાદમાં અમેરિકાએ તેને પૂર્ણ કરીને 1914માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. 1999માં તેનું નિયંત્રણ પનામા દેશને સોંપવામાં આવ્યું હતું.

આ કેનાલની ખાસિયત તેની 'લોક સિસ્ટમ' છે, જે જહાજોને સમુદ્ર સપાટીથી ઉપર ઉઠાવી ગ્રાટૂન લેક સુધી લઈ જાય છે. આથી દક્ષિણ અમેરિકા ખંડનો હજારો કિલોમીટર લાંબો ચક્કર કાપવો પડતો નથી.