પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાં હાલ પાણીનો જથ્થો ઘટીને 55.58 ટકા રહ્યો છે. 31 ઓક્ટોબરના રોજ ડેમની પાણીની સપાટી 122.90 મીટર નોંધાઈ છે.
આ વર્ષે ચોમાસામાં ઓછો વરસાદ થયો, જેના કારણે ડેમમાં પાણીની આવક ઘટી છે. જળસંગ્રહ ઘટતાં વ્યવસ્થાપન તંત્ર એલર્ટ પર છે.
ખેડૂતોના ડાંગર સહિતના પાક માટે ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાનમની મુખ્ય કેનાલમાં 100 ક્યુસેક અને પાનમ હાઈ લેવલ કેનાલમાં 170 ક્યુસેક, એમ કુલ 270 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી તબક્કાવાર માંગણી મુજબ 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
પાણીનો જથ્થો ઓછો હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણી અને રવિ પાક માટે સિંચાઈના પાણીની તંગી સર્જાવાની ભીતિ છે. ખેડૂતો આ સ્થિતિને લઈને ચિંતિત છે.