બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માવજત હોસ્પિટલના બેઝમેન્ટમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. દર્દીઓ, તેમના સગાં-સંબંધીઓ અને મેડિકલ સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો.
હોસ્પિટલ મેનેજમેન્ટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. ICU અને ઈમરજન્સી વોર્ડમાં દાખલ ગંભીર દર્દીઓ સહિત તમામ દર્દીઓને સમયસૂચકતા વાપરીને હોસ્પિટલ કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યાએ સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આગ લાગ્યાની જાણ કરવા છતાં પાલિકાના ત્રણ ફાયર ફાઇટર અડધો કલાક મોડા પહોંચ્યા હોવાના આક્ષેપો થયા છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. પરિસ્થિતિ સામાન્ય થતાં દર્દીઓને ફરી હોસ્પિટલના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાસ્થળે પાલનપુર પૂર્વ પોલીસે પહોંચીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી હતી. હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.