બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલું 'આરોગ્ય મંદિર' છેલ્લા 42 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. આ કેન્દ્ર માત્ર એક રૂપિયાના નજીવા દરે તબીબી સલાહ, નિદાન અને દવાઓ પૂરી પાડે છે.
કમલાપુરા વિસ્તારમાં આવેલી આ સંસ્થાની શરૂઆત ચાર દાયકા પહેલાં માત્ર 25 પૈસામાં થઈ હતી. આજે પણ તે ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશાનું કિરણ બની રહી છે.
ખેત મજૂરો, શ્રમિકો અને આર્થિક રીતે નબળા પરિવારોને સારવારથી વંચિત ન રહેવું પડે તેવા ઉમદા હેતુથી આ સંસ્થા કાર્યરત છે. ડોક્ટર બેલાબેન ત્રિવેદી છેલ્લા 42 વર્ષથી સતત સેવા આપી રહ્યા છે અને હજારો દર્દીઓના દર્દ દૂર કરીને તેમના ચહેરા પર સ્મિત લાવી રહ્યા છે.
દાનવીરોના સહયોગ અને તબીબોની સેવાભાવનાથી ચાલતી આ સંસ્થા સાચા અર્થમાં માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અહીં સવારથી જ આસપાસના ગામોમાંથી દર્દીઓ સારવાર માટે ઉમટી પડે છે, જે આ સેવાની મહત્તા દર્શાવે છે.