સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતોને કારણે પાકિસ્તાન ચેમ્પિયન્સ WCLમાંથી બહાર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શરતોને કારણે પાકિસ્તાન ચેમ્પિયન્સ WCLમાંથી બહાર

પાકિસ્તાન ચેમ્પિયન્સે સોમવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજેન્ડ્સ (WCL)ની ત્રીજી સિઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટીમને ટૂર્નામેન્ટમાં રમવા માટે NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) આપતી વખતે કેટલીક શરતો મૂકી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, PCBની શરતોમાં ગયા વર્ષની ઘટના અંગે ભારતીય ખેલાડીઓ પાસેથી લેખિત માફી અને આ વખતે બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક માટેની સંમતિનો સમાવેશ થતો હતો. WCL આયોજન સમિતિએ PCBની આ શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આયોજકોએ PCBની વ્યાવસાયિક શરતો સ્વીકારી લીધી હતી, પરંતુ લેખિત માફી અને હેન્ડશેકની માંગણી સ્વીકારી નહોતી. આ પછી પાકિસ્તાન ચેમ્પિયન્સે ટૂર્નામેન્ટમાંથી હટી જવાનો નિર્ણય લીધો.

ગયા સિઝનમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય ટીમે પાકિસ્તાન સામે મેચ રમવાનો ઇનકાર કરી દીધો હતો. તેના કારણે ગ્રુપ સ્ટેજની મેચ રદ થઈ ગઈ હતી. સેમિફાઇનલમાં પણ ભારતીય ટીમ મેદાનમાં ઉતરી નહોતી, જેના બાદ પાકિસ્તાનને વૉકઓવર મળ્યો હતો અને તે ફાઇનલમાં પહોંચી ગયું હતું. જોકે, ફાઇનલમાં તેને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા સિઝનમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક પણ થયો નહોતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ PCB તરફથી આ વખતે હેન્ડશેક અને લેખિત માફી માગવાની શરત મૂકવામાં આવી હોવાની વાત સામે આવી છે.

પાકિસ્તાન ચેમ્પિયન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં PCBની શરતો અથવા ભારતીય ખેલાડીઓ પાસે માફી માગવાની માંગનો ઉલ્લેખ કર્યો નથી. ટીમે કહ્યું કે PCB તરફથી જરૂરી NOC જાહેર કરવામાં ન આવવાને કારણે તે WCLમાં ભાગ લઈ શકશે નહીં. ટીમે નિવેદનમાં કહ્યું- 'પાકિસ્તાન ચેમ્પિયન્સને એ જણાવતાં અફસોસ થાય છે કે ટીમ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લેજેન્ડ્સમાં ભાગ લઈ શકશે નહીં. આ નિર્ણય PCB દ્વારા જરૂરી NOC જાહેર ન કર્યા બાદ લેવામાં આવ્યો છે. અમે PCBના અધિકાર અને તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ.'

WCLની ત્રીજી સિઝનના શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 10 ઑક્ટોબરે યોજાવાનો હતો. પાકિસ્તાનના ખસી ગયા બાદ આ મેચ રમાશે નહીં. પાકિસ્તાને સોમવારે ઑસ્ટ્રેલિયા સામે પણ મુકાબલો રમવાનો હતો, પરંતુ આ મેચ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની શરૂઆતની મેચ પણ તકનીકી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. તે સમયે ટીમના NOCની રાહ જોવામાં આવી રહી હોવાની વાત સામે આવી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને WCLની ત્રીજી સિઝનમાં પાકિસ્તાન ચેમ્પિયન્સની કપ્તાની કરવાની હતી. જોકે, બાંગ્લાદેશ સામેની ટીમની શરૂઆતની મેચ માટે તેઓ UAEમાં હાજર નહોતા.