સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનને યુએનના કરજદાર દેશોના મંચનું પ્રમુખપદ, 290 અબજ ડોલરના દેવા સાથે વિશ્વમાં મોખરે

પાકિસ્તાનને યુએનના કરજદાર દેશોના મંચનું પ્રમુખપદ, 290 અબજ ડોલરના દેવા સાથે વિશ્વમાં મોખરે

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કરજદાર દેશોના મંચ 'ગવર્નિંગ કાઉન્સિલ ઓફ બોરોઅર્સ'નું પ્રથમ અધ્યક્ષપદ પાકિસ્તાનને મળ્યું છે. તાજેતરમાં થાઈલેન્ડમાં પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઓરંગઝેબની અધ્યક્ષતામાં 34 કરજદાર દેશોના નાણામંત્રીઓની બેઠક યોજાઈ હતી.

પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ લોન લેનારો દેશ છે. તેનું કુલ કરજ 290 અબજ ડોલર છે, જે તેની જીડીપીના 74 ટકા જેટલું છે. ચીન અને સાઉદી અરેબિયા પાકિસ્તાનને મોટા પાયે લોન આપી રહ્યા છે.

ચીન પાકિસ્તાનને ભારત સામે વાપરવા માંગે છે અને લાંબા ગાળાની સંરક્ષણ વ્યૂહરચના હેઠળ તેને કરજમાં ધકેલે છે. સાઉદીને પાકિસ્તાન પાસેથી લશ્કરી સહાય અને પરમાણુ ટેકનોલોજીની અપેક્ષા છે. બંને દેશોને પાકિસ્તાનના બજાર અને ખનીજોમાં રોકાણનો લાભ પણ જોઈએ છે.

2024માં શાહબાઝ શરીફ વડાપ્રધાન બન્યા પછી આઈએમએફ પાસેથી પાકિસ્તાનને 7 અબજ ડોલરનું ફંડ મળ્યું હતું. 2024માં આઈએમએફ પાસેથી સૌથી વધુ લોન લેનારો ચોથો દેશ પાકિસ્તાન હતો. આર્જેન્ટિના (32 અબજ ડોલર), ઈજિપ્ત (11 અબજ ડોલર) અને યુક્રેન (10 અબજ ડોલર) પછી પાકિસ્તાનનો ક્રમ આવે છે. વિશ્વબેંક પાસેથી પણ પાકિસ્તાને સાડા પાંચ અબજ ડોલરની લોન મેળવી હતી. ડિસેમ્બર 2025માં આઈએમએફે ફરીથી 1.2 અબજ ડોલરની લોન આપી, જે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ખાનગી ભલામણથી મંજૂર થઈ હતી.

વર્લ્ડ બેંકના અહેવાલ મુજબ પાકિસ્તાન પર કુલ 121 અબજ ડોલરનું વિદેશી કરજ છે. તેમાં ચીનનો હિસ્સો 29 અબજ ડોલર (25%) છે. વિશ્વબેંકની 23 અબજ ડોલર (18%), એશિયાઈ વિકાસ બેંકની 15% અને પેરિસ ક્લબની 11.3 અબજ ડોલરની લોન છે. ચીન પછી સાઉદી અરેબિયા બીજા ક્રમે છે, જેણે 9.16 અબજ ડોલરનું ફંડ આપ્યું છે. ઓઈલ રિફાઇનરીના કરાર હેઠળ સાઉદી વધુ પાંચ અબજ ડોલર આપવાની ગણતરીમાં છે.