સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026: આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યું પાકિસ્તાન, સીરિયાને પણ પાછળ છોડ્યું

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026: આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યું પાકિસ્તાન, સીરિયાને પણ પાછળ છોડ્યું

ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2026 ના અહેવાલ મુજબ, પાકિસ્તાન પહેલીવાર વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. આ અહેવાલ 'ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ' દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં પાકિસ્તાનમાં 1,045 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ અને તેમાં 1,139 લોકોએ જીવ ગુમાવ્યા.

આંકડા દર્શાવે છે કે પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોતમાં આશરે 56 ટકાનો વધારો થયો છે. આ સતત છઠ્ઠું વર્ષ છે જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી હિંસામાં વધારો નોંધાયો છે. જ્યારે વૈશ્વિક સ્તરે આતંકવાદી હુમલાઓમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વભરમાં 2025માં આતંકવાદી હુમલાઓમાં મોતની સંખ્યા 28 ટકા ઘટીને 5,582 થઈ છે અને ઘટનાઓની સંખ્યા આશરે 22 ટકા ઘટીને 2,944 રહી છે. પરંતુ પાકિસ્તાનમાં આ ટ્રેન્ડ સાવ ઊલટો રહ્યો.

રિપોર્ટમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને પાકિસ્તાનમાં આતંકવાદથી થતાં મોત માટે સૌથી વધુ જવાબદાર સંગઠન ગણાવવામાં આવ્યું છે. 2025માં પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી મોતમાં 56 ટકા હિસ્સો TTPનો રહ્યો. આ સંગઠને 595 હુમલા કર્યા, જેમાં 637 લોકોના મોત થયા. એટલે કે, જે ચરમપંથી નેટવર્કને ખતમ કરવાનો દાવો પાકિસ્તાન કરે છે, તે જ નેટવર્ક તેના માટે સૌથી મોટું જોખમ બની ગયું છે.

ભૌગોલિક રીતે આતંકવાદનું સૌથી વધુ દબાણ પાકિસ્તાનના પશ્ચિમી વિસ્તારોમાં છે. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં 2025માં 74 ટકાથી વધુ આતંકવાદી હુમલા થયા અને આતંકવાદથી થતાં 67 ટકા મોત પણ આ જ વિસ્તારોમાં નોંધાયા. રિપોર્ટ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર વધતી હિંસાને પણ મુખ્ય કારણોમાં ગણાવે છે. અફઘાનિસ્તાનમાં 2021માં તાલિબાનની વાપસી પછી સરહદ આસપાસ સક્રિય આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.

અહેવાલમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ની વધતી હિંસાનો પણ ઉલ્લેખ છે. 2025માં આ સંગઠને ક્વેટા નજીક રેલવે ટ્રેક પર હુમલો કરીને એક પેસેન્જર ટ્રેન પર કબજો કરી લીધો હતો. ટ્રેનમાં 442 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. રિપોર્ટ મુજબ આ હુમલામાં 21 બંધકો, ચાર સૈન્યકર્મીઓ અને 33 વિદ્રોહીઓના મોત થયા હતા.

અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ આ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, જ્યારે કોઈ પોતાના ઘરમાં સાંપ પાળે છે, ત્યારે એક દિવસ એ જ સાંપ ઘરના લોકોને ડંખ મારે છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને આશરે 50 વર્ષ પહેલાં ચરમપંથી જેહાદી સંગઠનોને હથિયાર આપવાનું શરૂ કર્યું હતું અને હવે તે જ દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સૌથી ટોચ પર પહોંચી ગયો છે.

નોંધનીય છે કે, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એ દર વર્ષે આતંકવાદની અસરનું મૂલ્યાંકન કરતું આંતરરાષ્ટ્રીય સૂચક છે, જેમાં ઘટનાઓ, મોત, ઘાયલો અને આર્થિક નુકસાનને આધારે દેશોને ક્રમાંકિત કરવામાં આવે છે.