સાઉદી અરેબિયા પર યમનના હૂતી વિદ્રોહીઓના હુમલા વધ્યા બાદ પાકિસ્તાને સંયુક્ત સંરક્ષણ કરાર હેઠળ લશ્કરી કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હાલ હૂતીઓ સામે કોઈ સૈન્ય કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા સજ્જાદ હૈદર ખાને પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, યોગ્ય સમય આવવા પર કરાર મુજબ પગલાં લેવામાં આવશે. પાકિસ્તાનનું આ વલણ દર્શાવે છે કે સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર હોવા છતાં ઇસ્લામાબાદ સીધા યુદ્ધના મેદાનમાં ઊતરવાથી બચી રહ્યું છે.
પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા 'મક્કા ડિફેન્સ પેક્ટ' મુજબ કોઈપણ એક દેશ પર હુમલો ત્રણેય દેશો પરનો હુમલો ગણાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે અગાઉ સંકેત આપ્યો હતો કે, સાઉદી પર જોખમ વધશે તો આ કરાર સક્રિય કરાશે. પરંતુ પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે અને હૂતીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. જો પાકિસ્તાન હૂતીઓ સામે લશ્કરી પગલું ભરે તો ઈરાન સાથેના સંબંધો વણસી શકે છે, જેથી પાકિસ્તાને પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે.
યમનના હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના દક્ષિણ વિસ્તારમાં આવેલા એરબેઝ અને ક્રૂડ ઓઈલ સંબંધિત ઠેકાણાઓને નિશાન બનાવીને ભીષણ હુમલા કર્યા હતા, જેમાં 73 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ સાઉદી અરેબિયાએ પણ યમનમાં હૂતીઓના ઠેકાણાઓ પર 40 જેટલા હવાઈ હુમલા કરીને વળતો જવાબ આપ્યો હતો. તણાવ વધતાં પાકિસ્તાને ઈરાનને હૂતી વિદ્રોહીઓને કાબૂમાં રાખવા અપીલ કરી હતી, પરંતુ તેહરાને આ બાબતે હાથ ખંખેરી લીધા હતા.
હૂતી વિદ્રોહીઓએ યમનના પશ્ચિમી પ્રાંત તાઈઝના વ્યૂહાત્મક વિસ્તારો પર નિયંત્રણ મેળવીને લાલ સમુદ્રના મહત્વપૂર્ણ મોખા બંદર સુધી પ્રવેશ કરી લીધો છે. વર્ષ 2014 થી ચાલી રહેલા યમન ગૃહયુદ્ધમાં વર્ષ 2022 ના યુદ્ધવિરામ બાદ ફરી સંઘર્ષ ભડકી ઊઠ્યો છે. આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય શિપિંગ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય માટે અત્યંત મહત્વનો રૂટ હોવાથી સમગ્ર લાલ સમુદ્રમાં વ્યાપારિક પરિવહન સામે પણ મોટો ખતરો ઊભો થયો છે.