સત્ય. સાહસ. સંકલ્પ.

પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જૂના રામલીલા મંદિરને તોડવાનો પ્રયાસ, પ્રશાસને કબજો લઈ સીલ કર્યું

પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જૂના રામલીલા મંદિરને તોડવાનો પ્રયાસ, પ્રશાસને કબજો લઈ સીલ કર્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જૂના એક રામલીલા મંદિરને તોડી પાડવાનો પ્રયાસ થયો હતો. આ પ્રયાસનો હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. જોકે, સ્થાનિક પ્રશાસને સુરક્ષા વધારવાના બદલે મંદિર પર જ કબજો લઈને તેને સીલ કરી દીધું હતું.

મંદિર તોડીને ત્યાં કોમર્શિયલ પ્લાઝા બનાવવાનું આયોજન હતું. પરંતુ વિરોધને કારણે આ નિર્ણય પડતો મૂકવો પડ્યો હતો.

આ ઘટના ખૈબર પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બની છે. તાજેતરમાં જ પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે આ જ પ્રાંતમાં ઇમરાન ખાનની પાર્ટીની સરકાર સસ્પેન્ડ કરીને સત્તા પોતાના કબજામાં લીધી હતી.

વિવાદ વચ્ચે ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડે મંદિરને સીલ કરી દીધું હતું. બાદમાં સ્થાનિક પ્રશાસને તેના પર કબજો લઈ લીધો હતો. જે મંદિરને તોડવાનો પ્રયાસ થયો હતો તેને આ જિલ્લાના લગભગ ૪૦૦ હેરિટેજ સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે.

ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ એવી મિલકતોનું સંચાલન કરે છે જે ભારતના ભાગલા વખતે હિન્દુઓએ છોડી દીધી હતી અને તેઓ ભારત આવીને વસ્યા હતા.

આ જિલ્લામાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા છે. તાજેતરમાં પાકિસ્તાન માનવ અધિકાર પંચે કહ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોનો વારંવાર ભંગ થઈ રહ્યો છે.