ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં કાચા તેલની અછત અને વધતી કિંમતોને કારણે ગંભીર ઊર્જા સંકટ સર્જાયું છે. દેશના તેલ સંગ્રહનો જથ્થો ઘટીને માત્ર 28 દિવસનો રહ્યો હોવાના અહેવાલો વચ્ચે સેનાપ્રમુખ અસીમ મુનીર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરવા ઈરાન પહોંચ્યા છે. યમનના હૂતી લડવૈયાઓએ સાઉદી અરેબિયાના તેલ ઠેકાણા પર કરેલા હુમલાઓ બાદ વૈશ્વિક તેલ પુરવઠાની સ્થિતિ બગડી છે, જેની અસર પાકિસ્તાન પર પણ પડી છે.
પાકિસ્તાનની સરકારે ઈંધણનો વપરાશ ઘટાડવા માટે કેટલાક કડક પગલાં લીધા છે. સરકારી વાહનો માટેના ઈંધણ કોટામાં 50 ટકા કપાત કરવામાં આવી છે, નવા સરકારી વાહનોની ખરીદી પર પ્રતિબંધ મૂકાયો છે અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર ત્રણ મહિના સુધી રોક લગાવાઈ છે. વીજળી અને તેલ બચાવવા માટે હોસ્પિટલો તથા સીએનજી સ્ટેશનો સિવાયની દુકાનો અને બજારો રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરકારી ફંડમાંથી થતા ડિનર, સેમિનાર તથા અન્ય કાર્યક્રમો પર સંપૂર્ણ રોક લગાવાઈ છે.
આર્થિક દબાણ વચ્ચે સરકારે ટૂંકા ગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 3.40 રૂપિયા અને ડીઝલમાં 6.72 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો હતો. શહબાઝ શરીફ સરકારે જાહેર જનતાને લગ્ન સમારંભોમાં માત્ર એક જ વાનગી પીરસવાની સલાહ આપી છે, જ્યારે વિરોધ પક્ષો અને ટીકાકારો આ પગલાંને સામાન્ય લોકો પર બોજ લાદવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલ તણાવ છે. હૂતી હુમલાઓને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર પુરવઠો પ્રભાવિત થયો છે. પાકિસ્તાન તેની મર્યાદિત આર્થિક ક્ષમતાને કારણે આંચકો સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. સેનાપ્રમુખ મુનીરની ઈરાન મુલાકાતને આ પૃષ્ઠભૂમિમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, અને ઈરાન તરફથી મદદની અપેક્ષા રાખવામાં આવે છે.