સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતને ધમકી આપનારા પાકિસ્તાની મંત્રી SCO બેઠક માટે નવી દિલ્હી આવશે

ભારતને ધમકી આપનારા પાકિસ્તાની મંત્રી SCO બેઠક માટે નવી દિલ્હી આવશે

પાકિસ્તાનના પર્યાવરણ મંત્રી મુસાદિક મલિક 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી SCO બેઠકમાં ભાગ લેવા ભારત આવશે. સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ ભડકાઉ નિવેદનો આપ્યા પછી તેમની આ મુલાકાત ચર્ચામાં છે.

ભારત સરકારના સત્તાવાર આમંત્રણના આધારે તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની આ બેઠકમાં હાજરી આપશે. 2023માં ગોવામાં SCOના વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન પાકિસ્તાનના તત્કાલીન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત આવ્યા હતા. ત્યારબાદ ભારતની મુલાકાતે આવનારા મુસાદિક મલિક પ્રથમ પાકિસ્તાની મંત્રી છે.

મુસાદિક મલિક અગાઉ સિંધુ જળ સંધિના મુદ્દે ભારત વિરુદ્ધ આકરા શબ્દોમાં નિવેદનો આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. પુલવામા હુમલા પછી ભારતે આ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ મલિકે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે જો કોઈ તેમના પાણીને અડકશે, તો તેના હાથ કાપી નાખવાની વાત તેમણે કરી હતી.

મલિકની સાથે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ દિલ્હીમાં યોજાનારા SCO સિવિલાઈઝેશન ડાયલોગમાં ભાગ લેશે, અને તેઓ આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે યજમાન તરીકે ભારતે SCOના તમામ સભ્ય દેશોને આમંત્રણ પાઠવ્યું છે. આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઈરાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે.

પાકિસ્તાને પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે SCOના માળખા હેઠળ પરસ્પર સન્માન સાથે વિવિધ સભ્યતાઓ વચ્ચે સંવાદ અને લોકો વચ્ચે સંપર્ક વધારવા તેની સરકાર પ્રતિબદ્ધ છે.

આ મુલાકાત છતાં ભારતે પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિ સ્પષ્ટ રાખી છે. ભારતે ફરી જણાવ્યું છે કે સરહદ પારથી થતો આતંકવાદ સંપૂર્ણપણે ખતમ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ સમજૂતી કે દ્વિપક્ષીય સોદો શક્ય નથી. ભારત વૈશ્વિક મંચો પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ઘેરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉઠાવવાના પ્રયાસો કરતું રહે છે.